jump to navigation

એક પ્રશ્નપત્ર -ઉદયન ઠક્કર એપ્રિલ 27, 2007

Posted by ઊર્મિ in અછાંદસ, ઊર્મિની પસંદ.
8 comments

exam.jpg 

1.  હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.

2.  અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો, કેમ, ખરું ને…
‘હા’ કે ‘ના’માં જવાબ આપો. (વધુ…)

ડાળખી એપ્રિલ 23, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કથાકાવ્યો.
9 comments

daadakhee2.jpg 

(બરફવર્ષાથી કેમ બચું? મારી છત્રી કાણી છે…  માર્ચ 16, 2007 )

નવા ઘરની બારીમાંથી
રોજ જોયાં કરું છું હું,
એને-
કેવી વળગી રહી છે એના ઝાડને એ ?!
ક્યારની હશે એ આમ ?!

સરસરાહટ છે હજી,
પણ પાંદડું એકેય નથી;
કેટલી નાજુક છે હજી,
પણ કુંપળ એકેય નથી !
જાણે, જીવંત જ નથી !

હા, મમતા હજી જીવંત છે.
જુઓને,
વિખુટા પડવાની વાતને
એણે,
ક્યાં સ્વીકારી છે ?!

એટલે જ તો,
ભલે ને કેટલાયે…
તોફાનોની જીક એણે ઝીલી છે,
વરસાદમાં એ પોતેય વરસી છે,
હિમવર્ષામાં એય થથરી છે,
તોયે હજી
એ વળગી રહી છે…
લટકી રહી છે…

હું રોજ અટકળ કરું છું કે-
પવનદેવ સાથેના જંગમા
આજે એ હારી જશે,
આજે જરૂર પડી જશે…
પરંતુ મને ખોટી પાડતી એ-
રોજ જ જીતે છે !

આજે,
અચાનક, જોઉં છું તો-
મારાં જ દર્શન મને કરાવતી એ,
દર્પણ બની ગઈ છે !

હવે મને ખાત્રી છે, કે
જ્યારે પણ હું બારી ખોલીશ-
ત્યારે,
મંદ મંદ હસતી,
ઝૂલતી ને ડોલતી,
મને ખોટી પાડતી,
એ ત્યાં જ હશે…
સદાય!!

* * *

ઊર્મિસાગર

*

ગ્રામમાતા –કલાપી એપ્રિલ 22, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
13 comments

lady_cutting_sugarcane.jpg

(શાર્દૂલવિક્રીડિત)
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

(માલિની)
મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે;
કમલવત્ ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !

(અનુષ્ટુપ)
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે ! (વધુ…)

યુનિકોડ ઉદ્યોગ (વર્ણસંકર અછાંદસ ગીત) -પંચમ શુક્લ એપ્રિલ 21, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
7 comments

યુનિકોડની સુવિધાને લીધે રોજ રોજ વધતા જતા ગુજરાતી નેટ જગતનાં બંધનમુક્ત બ્લોગોને જોઇ મિત્ર પંચમ શુક્લે આ ગીત લખી મોકલ્યું છે…  શબ્દોની સુંદર અભિવ્યક્તિરૂપી આ ગીત આપણને વિચારતા કરી દે એવું છે, જે મને તો ઘણું જ ગમ્યું… આશા છે કે આપ સૌ પણ એને માણી શકો અને જાણી શકો.  આભાર પંચમભાઇ!

mashroom.jpg

અગણિત જણ આરાધે અનહદ યુનિકોડ ઉદ્યોગ.
 
બિલાડીના ટોપ સમાં,
અહીં તહીં લ્યો ઉગી રહ્યાં છે
ખાદ્ય-અખાદ્ય બ્લોગ.   * અગણિત જણ આરાધે…
 
છપ્પનિયાનાં હડસેલાઓ ખાઈ ખમીને,
ઘઉંની સાથે ધૂળનાં ઢેફા ભરડી ભરડી,
બે હાથે આરોગે શબ્દો- કવિ, લેખક, સહુ લોગ.   * અગણિત જણ આરાધે… (વધુ…)

અંધેરી નગરી -દલપતરામ એપ્રિલ 20, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
7 comments

75_1.gif 

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.” (વધુ…)

ફકીરાઈમાં ઊભા -મનોજ ખંડેરિયા એપ્રિલ 19, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
3 comments

statue-of-liberty-ny.jpg

અવકાશ જેમ આખી અખિલાઈમાં ઊભા
ઝળહળતી આસમાની અમીરાઈમાં ઊભા.

જે બાજુ જોઉં તે તરફ પ્રતિબિંબ તરવરે,
ચોમેર ગોઠવેલી અરીસાઈમાં ઊભા.

સમતોલ જાત રાખતાં પણ હાથ ના રહે,
લ્હેરાતી સાંજની આ સમીરાઈમાં ઊભા.

ક્યારે ઇશારે કોળે ને પગલું ઉપાડીએ ?
અધ્ધર પગે અમે તો અધીરાઈમાં ઊભા.

ગૂંથાય ઝીણા તાર તરન્નુમનાં શ્વાસમાં,
વસ્ત્રો સમી વણાતી કબીરાઈમાં ઊભા.

આ ખાખી ખાલીપાની ખલક લઈ હરીભરી-
કૈં ફાટફાટ થાતી ફકીરાઈમાં ઊભા.

* * *

કવિ પરિચય

*

ગલૂડીયાં એપ્રિલ 18, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
9 comments

puppies.jpg

આજે સવારે 
મારી ઊર્મિને
એકાએક 
પ્રસુતિની
પીડા ઉપડી…
અને
વિયાયેલી
મારી એ
ઊર્મિને આવ્યા,
શબ્દોનાં થોડાં
ગલૂડીયાં…
અને એય
પાછા એક…દમ
વજનમાં!!

* * * 

ઊર્મિસાગર

*

પરિચય થવા લાગે -ગની દહીંવાલા એપ્રિલ 16, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
4 comments

pigeons.jpg

બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.

અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.

રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,
અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.

હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?
ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !

પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.

નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?
મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.

‘ગની’, નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,
કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.

* * *

તમે ટહુકયા ને -ભીખુભાઈ કપોડિયા એપ્રિલ 12, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
7 comments

peacock_sky3.jpg 

તમે ટહુકયા ને આભ મને ઓછું પડયું…

ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે,
આખું ગગન મારું ઝોલે ચડયું…

લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ
જેમ ઊજળી કો’ સારસની જોડ,
પાંખનો હેલાર લઈ પાંપણિયે ઊર મારું
વાંસળીની જોડ માંડે હોડ
તરસ્યાં હરણાંની તમે પરખી આરત
ગીત છોડયું કે કુંજમાંથી ઝરણું દડ્યું…

મોરનાં તે પીછાંમાં વગડાની આંખ લઈ
નીરખું નીરખું ન કોઈ ક્યાંય,
એવી વનરાઈ હવે ફાલી
સોનલ ક્યાંક તડકાની લ્હાય નહીં ઝાંય
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાંય
વન આખું લીલેરા બોલે મઢ્યું…

* * *

મુક્તપંચિકા: સમય એપ્રિલ 10, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.
4 comments

clock-cartoon.jpg

ભૂત, ભવિષ્ય,
વર્તમાનનાં-
સુંદર વાઘાં પે’રી
સદા અહીં જ
રમે સમય!

*

વિરહ ક્ષણ,
મિલન ક્ષણ,
સમયની કેટલી
ક્ષણો! ને મારી
એકેય નહિં?!

*

શું સમેટું હું?
વેરવિખેર
પળોની મીઠી યાદ?
કે યાદની એ
મધુર પળો?

* * *

ઊર્મિસાગર

*

‘સમય’ પર મુક્તપંચિકાઓ – સહિયારું સર્જન પર…

*

ખુદાઈનો રંગ છે -હરીન્દ્ર દવે એપ્રિલ 8, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
5 comments

pinning_heart.jpg

આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે,
ઝંખ્યો છે જેને ખૂબ – તબાહીનો રંગ છે.

ઘેરો થયો તો ઓર મુલાયમ બની ગયો,
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે.

છેલ્લી ક્ષણોમાં આંખની બદલાતી ઝાંયમાં,
જોઈ શકો તો જોજો કે સાકીનો રંગ છે.

બદલ્યા કરે છે રંગ ગગન નિત નવા નવા,
આદિથી એનો એ જ આ ધરતીનો રંગ છે.

કોઈ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો,
કહેતું’તું કોક એમાં ખુદાઈનો રંગ છે.

* * *
 

સગપણ ક્યાં છે? -પ્રબોધ જોશી એપ્રિલ 4, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.
5 comments

mor_sml.jpg

અમે મોર હોઈએ તો –
અમારાં ખરેલાં આંસુ વીણજો.

વાદળ સમા તરતા પ્રસંગોને
અમે બોલાવશું –
તમે વરસજો.

આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો.

* * *

આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે -ખલીલ ધનતેજવી એપ્રિલ 1, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
3 comments

heart_tear.jpg 

આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,
મેઘ વરસી પડે તો ફલક ઊઘડે.

ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,
પોપચાં થરથરે ને પલક ઊઘડે.

રોજ લાગે કોઈ યાદ કરતું હશે,
રોજ છાતીમાં ઝીણી સલક ઊઘડે.

પારકા દેશમાં તારી યાદ આવતાં,
ઘર તો ઘર, આખેઆખો મલક ઊઘડે.

છો ખલીલ! આજ મન થોડું હળવું થતું,
આંખમાં છોને ભીની ઝલક ઊઘડે!

* * *