jump to navigation

અરણ્ય-રુદન -પ્રીતિ શાહ/સેનગુપ્તા મે 29, 2007

Posted by ઊર્મિ in અછાંદસ, ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.
13 comments

mother_daughter.jpg 

પર્વત પર ચડીને
શિખરોને ધક્કા મારી મારીને
ગબડાવી દેવાં છે,
દરિયાને ખાલી કરીને રણમાં
વહાવી દેવા છે,
હવાના મહેલોને
મુઠ્ઠીએ મુઠ્ઠીએ
તોડી નાખવા છે,
રાત-દિવસના પડછાયાઓને
પૃથ્વીના પેટાળમાં
દાબી દેવા છે.
અને પછી, મા,
તમારા ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.

* * *

કવિ પરીચય

*

સાંભરણ -માધવ રામાનુજ મે 28, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, ગીત.
4 comments

radha_awaits.jpg

રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો,
વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો.

             આંખોમાં સાંભરણ ખૂંચશે કણાની જેમ
                                                  પાંપણનાં દ્વાર કેમ દેશું?
             એક પછી એક પાન ખરશે કદમ્બનાં 
                                                   ને વેળામાં વીખરાતાં રેશું.

છલકાતું વહેણ કદી હોલાતું લાગે તો વેળુમાં વીરડા ગળાવજો.

             આઠમની ધોધમાર મધરાતે એક વાર
                                                  પાનીએ અડીને પૂર ગળશે,
             પાણીની ભીંતો બંધાઈ જશે
                                      ગોકુળને તે દી’ ગોવાળ એક મળશે.

લીલુડાં વાંસવન વાઢશો ન કોઈ, મોરપીંછિયુંને ભેળી કરાવજો.

             પૂનમની એકાદી રાતના ઉજાગરાને
                                                  સાટે જીવતર લખી જાશું,
             અમથુંયે સાંભરશું એકાદા વેણમાં 
                                                  તો હૈયું વીંધાવીને ગાશું.

ભવભવની પ્રીતિનું બંધારણ ભેટે તો વનરાવન વાટે વળાવજો!
લીલુડાં વાંસવન વાઢશો ન કોઈ, મોરપીંછિયુંને ભેળી કરાવજો.

* * *

કવિ પરીચય

*

વાંચો: ‘ગુજરાતી સારસ્તવ પરિચય’ની પ્રથમ વર્ષગાંઠ…

*

સ્નેહીનાં સોણલા -ન્હાનાલાલ કવિ મે 28, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, ગીત.
2 comments

rain_in_farm.jpg 

સ્નેહીનાં સોણલા આવે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે :
હૈયાનાં હેત તો સતાવે, સાહેલડી !
આશાની વેલ મારી ઊગી ઢળે.

ચડ્યું પૂર મધરાતનું, ગાજે ભર સૂનકાર :
ચમકે ચપળા આભમાં,
એવા એવા છે પ્રિયના ચમકાર :            રે સાહેલડી ! 
ઉરના એકાન્ત મારા ભડકે બળે.

ઝરમર ઝરમર મેહુલો વરસે આછે નીર :
ઊને આંસુ નયનો ભીંજે,
એવાં એવાં ભીંજે મારા ચીર :               રે સાહેલડી ! 
ઉરના એકાન્ત મારા ભડકે બળે.

અવની ભરી, વન વન ભરી, ઘુમે ગાઢ અંધાર,
ઝબકે મહીં ધૂણી જોગીની,
એવા એવા છે પ્રિયના ઝબકાર :           રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.

ઝીણી જ્યોતે ઝળહળે પ્રિયનો દીપક લગીર :
પડે પતંગ, મહીં જલે,
એવી એવી આત્માની અધીર :             રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે. 

ખૂંચે ફૂલની પાંદડી, ખૂંચે ચંદ્રની ધાર :
સ્નેહીનાં સંભારણા
એવાં એવાં ખૂંચે દિલ મોઝાર :             રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.

* * *

કવિ પરીચય

*

વાંચો:  ‘ગુજરાતી સારસ્તવ પરિચય’ની પ્રથમ વર્ષગાંઠ…

*

એ મન હતું! મે 25, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, ગઝલ.
29 comments

This is for someone…
very dear…
very near…
and
very special…! 
😉

mc1.jpg 

શબ્દમાં રણક્યાં કર્યુ એ મન હતું,
કાવ્યમાં ઝળક્યાં કર્યુ એ મન હતું.

કાળજે સણક્યાં કર્યુ એ મન હતું,
યાદમાં સળગ્યાં કર્યુ એ મન હતું.

સો કસમ ખાધી હતી- ‘અળગાં થશું’,
મનને જે વળગ્યા કર્યુ એ મન હતું.

ઠાર્યુ કદી ઠરશે નહીં- થઇ ખાતરી,
તે છતાં ઠાર્યા કર્યુ એ મન હતું.

થઇ સિકંદર છોને ધ્રુજાવી ધરા!
ખુદથી જે હાર્યા કર્યુ એ મન હતું.

તરબતર અંતર હતું બસ પ્રેમથી,
તોયે બસ ઝૂર્યા કર્યુ- એ મન હતું.

સ્નેહનો વરસી રહ્યો’તો મેહુલો!
ઊર્મિને તરસ્યા કર્યું એ મન હતું.

* * * 

ઊર્મિસાગર

*

શું વળે? -શિવજી રૂખડા મે 23, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, ગઝલ.
7 comments

sheep_meadow_sky_2.jpg

વાત બીજે વાળવાથી શું વળે?
ને હકીકત ખાળવાથી શું વળે?

આપણે તો આપણે, બસ આપણે,
જાત બીંબે ઢાળવાથી શું વળે?

ફક્ત કિરણ એક ઝીલી ના શક્યા,
સૂર્ય આખો ચાળવાથી શું વળે?

દોસ્ત, ઇચ્છાવન બહુ ઘેઘૂર છે,
ડાળખી ફંગોળવાથી શું વળે?

આપણો વિસ્તાર છે ફળિયા લગી,
ગામને ઢંઢોળવાથી શું વળે?

આંખ છે ખુલ્લી અને ઝોલે ચડ્યા,
દીપ ઝળહળ બાળવાથી શું વળે?

* * *

નહીં કરું -રઈશ મનીઆર મે 21, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, ગઝલ.
7 comments

flower_in_hand.jpg 

સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.

આખા ય એના રૂપને અંકિત નહીં કરું,
કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું.

આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર,
એકે ય ફૂલ હું કદી સંચિત નહીં કરું.

પામી ગયો, મજા તો બસ ઉથાપવામાં છે,
તેથી હું જાતને કદી સ્થાપિત નહીં કરું.

બીજું કશું ય કરવા સમું પ્રાપ્ત થાય તો,
સાચું કહું છું, હુંય પછી પ્રીત નહીં કરું.

રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.

* * *

આજકાલ હું શ્રી રઈશ મનીઆરની પ્રતિનિધિ ગઝલો એમનાં પુસ્તક ‘સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી’ માંથી માણી રહી છું…(આભાર, વિવેક!) એમાંની જ એક આ ગઝલ અહીં પીરસી છે.  હજી સુધી જેટલી પણ ગઝલો મેં વાંચી અને માણી છે, મને તો એ બધી જ ગઝલો એક એકથી ચડિયાતી લાગી… વાંચીને મોંમાથી અનાયાસે જ ‘WOW!!’ નીકળી જાય એવી આ ગઝલો વાંચી ત્યારે મને ખરેખર સમજાયું કે આપણા મિત્ર વિવેક એમનાં આટલા બધા વખાણ કેમ કરે છે!!!  🙂  

*

નહીં જીરવી શકો -‘આદિલ’ મન્સૂરી (એમના સંદેશ સાથે) મે 19, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
5 comments

ગઈ કાલે શ્રી આદિલજીનાં જન્મદિવસ નિમિત્તે ‘સહિયારું સર્જન’ પર એમનાં જ અમર શબ્દો ‘મળે ન મળે’ પરથી શ્રી આદિલજીને માટે કાવ્ય-સર્જનનાં આમંત્રણની પોસ્ટ મૂકવામાં આવી હતી… જેમાં ઘણાં મિત્રોએ ભાગ લીધો હતો અને એમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી… એમનાં જવાબરૂપે આપણા આદરણીય શ્રી આદિલજીએ જેની આશા પણ રાખી નહોતી, એવો નીચેનો હૃદયસ્પર્શી સંદેશો અમને ઈ-મેલમાં મોકલાવ્યો હતો… મને એમણે કરેલું ‘આદરણીય’ સંબોધનથી તો હું ઘણી મુંઝાઇ ગઇ… ઘણું ખટક્યું… ઘણું અજીબ લાગ્યું… શરમ જેવી પણ આવી… બસ, મનમાં એક વંટોળ જગાડી ગયું!!  ગુજરાતી સાહિત્યની આટલી ઊંચાઇ પર પહોંચેલી વ્યક્તિને જ્યારે કોઇ એક અતિ સામાન્ય વ્યક્તિ પ્રણામ કરે અને જવાબમાં એ ‘આદરણીય’ જેવું સંબોધન કરે ત્યારે સ્વાભાવિક જ છે કે ઘણું અજીબ તો લાગે જ… પરંતુ એની સાથે જ એટલું વ્યતિત તો જરૂર થાય છે કે એ વ્યક્તિ માત્ર એમની કલમથી જ મહાન નથી પરંતુ મનથી પણ એટલી જ મહાન છે જે નાનામાં નાની વ્યક્તિનો પણ આદર કરી શકે છે!!   આદરણીય શ્રી આદિલજીને ફરી એકવાર સાદર પ્રણામ… અને નીચેનો સંદેશો અને એમની એક નવી ગઝલનાં શેર મોકલવા બદલ એમનો ઘણો ઘણો આભાર!

——

આદરણીય ઊર્મિસાગરજી,

આપે, સુરેશભાઇ જાની અને સર્વ શૂભેચ્છકો, મિત્રો સ્વજનોએ લાગણીભર્યા શબ્દો, શિઘ્ર કાવ્યરચનાઓની અમી વર્ષા દ્વારા નેટ ઉપર જે ગુલાલ ઉડાવી ઉજવણી કરી તે બદલ હૃદયપૂર્વક સર્વનો ઋણી છું.

ખૂબ ખૂબ આભાર સાથે એક તાજા ગઝલના થોડાક શેર….

થાકી જશો શરીરેની સાથે ફરી ફરી
હોવાપણાનો ભાર નહીં જીરવી શકો

મિત્રો ને શત્રુઓથી બચી નીકળો પછી
પડછાયાનો પ્રહાર નહીં જીરવી શકો

મૃત્યુનો ઘા કદાચ તમે જાવ જીરવી
જીવનનો બેઠ્ઠો માર નહીં જીરવી શકો

મૂકીએ ગઝલના ચોકે બનાવીને બાવલું
માથે સતત હગાર નહીં જીરવી શકો

‘આદિલ’ મન્સૂરી

*

ઈ-મેલમાં -આદિલ મન્સૂરી મે 18, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
7 comments

આદરણીય શ્રી આદિલજીને આજે એમના 71માં જન્મદિવસે હાર્દિક વધાઇ અને મંગલ શુભકામનાઓ!!

email.jpg

કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં,
દુનિયાભરના વાયરસ એ મોકલે ઈ-મેલમાં.

ખાનગી વાતો બધી કરતા રહે એ ફોરવર્ડ,
બેવફાઈને નવો રસ્તો મળે ઈ-મેલમાં.

હોટ મેલે મળશે અથવા મળશે યાહૂ ડોટ પર,
મોટા ભાગે બે જ સરનામા હશે ઈ-મેલમાં.

જોતજોતામાં પડછાયા દિગંબર થૈ જતા,
ક્લિક કરો ને આવરણ સૌ ઊતરે ઈ-મેલમાં.

રાતદિવસ અક્ષરો ઘૂંટાય છે કી બોર્ડ પર,
સ્પર્શ એના ટેરવાંઓનો હશે ઈ-મેલમાં.

હા વતનની ધૂળ ખાવા જાઉં પાછો દોસ્તો,
પ્લેનની જ્યારે ટિકિટ સસ્તી મળે ઈ-મેલમાં.

જોતજોતામાં ગઝલ ઈ-મેલની આવી ચડી,
બેઠા બેઠા મોકલું તેને બધે ઈ-મેલમાં.

શું કરી શકીએ પછી આદિલ જો સરવર ડાઉન હો?
કાગળો હાથે લખ્યા ક્યાં જૈ શકે ઈ-મેલમાં?!

* * *

કવિ પરીચય

*

શ્રી આદિલજીના જન્મદિવસ નિમિત્તે સહિયારું સર્જન પર ‘મળે ન મળે’ પરથી કાવ્ય લખવા આમંત્રણ!!

*

રસ્તા સુધી આવો -આદિલ મન્સૂરી મે 17, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
2 comments

hands.jpg

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો,
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો.

જમાનો એને મુર્છા કે મરણ માને ભલે માને,
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો.

તમારા નામના સાગરમાં ડૂબી તળીયે જઈ બેઠો,
હું પરપોટો બની ઉપસું તમે કાંઠા સુધી આવો.

જરૂરી લાગશે તો તે પછી ચર્ચા ય માંડીશું,
હું કાશી ઘાટ પર આવું તને કાબા સુધી આવો.

હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ,
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો.

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે ‘આદિલ’,
રદીફ ને કાફિયા ઓળંગીને મકતા સુધી આવો.

* * *

કવિ પરીચય

*

અલબેલો અંધાર હતો -વેણીભાઇ પુરોહિત મે 15, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
2 comments

racing_pigeons_fullhouse_baby1.jpg

એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઇ પાયલનો ઝંકાર હતો.

જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી,
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો.

માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઇ હતી,
કુદરતની અદા, કુદરતની અદબ, કુદરતનો કારોભાર હતો.

ઊર્મિનું કબુતર બેઠું’તું નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવનસ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો.

* * *

કવિ પરીચય

*

હેપી મધર્સ ડે – મારો અનુભવ! મે 13, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ.
8 comments

બધા મિત્રોને હેપી મધર્સ ડે !

yashoda_krishna_ph73.jpg

ઉસકો નહીં દેખા હમને કભી,
પર ઇસકી જરૂરત ક્યા હોગી?
એ મા… એ મા, તેરી સૂરત સે અલગ,
ભગવાન કી સૂરત ક્યાં હોગી… ક્યાં હોગી?
ઉસકો નહીં દેખા હમને કભી… (વધુ…)

પારકો ચહેરો – સૈફ પાલનપુરી મે 9, 2007

Posted by ઊર્મિ in અછાંદસ, ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.
2 comments

unveiled.jpg

મારી સામે એણે પણ
એકીટશે જોયા કર્યું
લોક કરડી આંખથી જોતા રહ્યા
કેવો પાગલ હું હતો
વર્ષો પહેલાંનો પરિચિત માર્ગ એ
વર્ષો પહેલાંનું પરિચિત એ મકાન
મારી પાગલતા એ બહુ જૂની હતી. (વધુ…)

મને ખૂબ જ શ્રદ્ધા બેસી ગઈ છે. -સૈફ પાલનપુરી મે 8, 2007

Posted by ઊર્મિ in અછાંદસ, ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.
1 comment so far

road.jpg

કાલ હું તારી ગલીમાં ભૂલથી આવી ચઢ્યો.

વર્ષો પહેલાંનો પરિચિત માર્ગ એ
વર્ષો પહેલાંનું પરિચિત એ મકાન –
મારા પગ થંભી ગયા –
તું નજર સામે હતી – (વધુ…)

બુદ્ધિ અને લાગણી મે 4, 2007

Posted by ઊર્મિ in અછાંદસ, ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
9 comments

vish_mirror_img.jpg

એક જ સિક્કાની
બે બાજુઓ હતી-
મારી બુદ્ધિ
અને 
મારી લાગણી…
બંને વચ્ચેનું
અંતર છતાંયે,
કેમ કદી
હું 
મિટાવી ન શકી?!

* * * 

ઊર્મિસાગર

*

મજબૂર -પ્રફુલ્લ દવે મે 3, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
4 comments

valley.jpg 

(બાજુમાં જ અંધકાર છે…  Lake George, NY – August 22, 2005)

કોઈ મારા પર સવાર છે, દોડી રહ્યો છું હું,
ચાબૂક છે, પ્રહાર છે, દોડી રહ્યો છું હું.

સીમા બીજાની છે, અને દિશા બીજાની છે,
હર ઈચ્છા નિરાધાર છે, દોડી રહ્યો છું હું.

પાંખો નથી, પગોથી આ પથ કાપવો કઠિન,
લાંબો અતિ વિસ્તાર છે, દોડી રહ્યો છું હું.

આંખો પરે છે ડાબલાં, સીધો પ્રકાશ છે,
બાજુમાં અંધકાર છે, દોડી રહ્યો છું હું. 

અંદરથી કોઈ ઊંચકે માથું સતત ભલે,
આ ક્ષણ અતિ લાચાર છે, દોડી રહ્યો છું હું.

* * *

કવિ પરિચય

*

નથી મળતું -બેફામ મે 2, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, મુક્તકો/શેર.
5 comments

cherry_blossom2.jpg 
(Cherry Blossom…   April 28, 2007)

સિતારા હોય છે એને ગ્રહણ નથી મળતું,
ફૂલોને બાગ મળી જાય, રણ નથી મળતું,
આ એક સુખ કુદરતના ન્યાયમાં જોયું,
ગજા બહારનું દુ:ખ ક્યાંય પણ નથી મળતું.

* * *

કવિ પરિચય 

*

ગૌરવ-કથા ગુજરાતની -‘શૂન્ય’ પાલનપુરી મે 1, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
14 comments

આજનો ગુજરાત દિન સૌ મિત્રોને ખૂબ ખૂબ મુબારક… આજે ગુજરાત વિશેની આગળ એકવાર મુકેલી ગઝલની પોસ્ટને જ હું ફરીથી મૂકું છું… જે મારી ઘણી પ્રિય ગઝલ છે.  મારામાં તો હંમેશા આ ગઝલને વાંચતા કે ગણગણતા એક અનોખી જ ગુજરાતી-ખુમારી આવી જાય છે… જુઓ તમે પણ ટ્રાય કરી જુઓ!  🙂

ફરીથી દરેક ગુજરાતી મિત્રોને આપણું આ અમૂલ્ય ગુજરાતીપણું ખૂબ ખૂબ મુબારક!

gujarat.jpg

વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.

‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,
દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની? (વધુ…)