jump to navigation

ભૂલ કરવામાં -કેશવ પરમાર જૂન 30, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
4 comments

ભૂલ કરવામાં  એક દાખલો હોય છે,
પછી પરંપરાનો મોટો કાફલો હોય છે.

રસ્તો નથી મળતો પરિઘનો વર્તુળમાં,
નહીં તો છૂટવા માટે ક્યાંક ઝાંપલો હોય છે. (વધુ…)

જાણવાનો ભરમ જૂન 29, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
3 comments

એ તારો ભરમ છે કે તું મને જાણે છે,
એ મારો ભરમ છે કે હું તને જાણું છું.

ન હું તને જાણું છું ન તું મને જાણે છે,
અટવાયા છે બંને  ભરમમાં હું જાણું છું. 

હકીકતમાં તો કોણ કોને જાણે છે?
ન તું તને જાણે છે ન હું મને જાણું છું.

— ઉર્મિ સાગર
 

એકરાર કરી શક્યા નહીં -કેશવ પરમાર જૂન 28, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
3 comments

થઇ ગઇ ભૂલોનો એકરાર કરી શક્યા નહીં,
તક મળી તોય અમે તકરાર કરી શક્યા નહીં.

સહન કેટલું કરવું પડ્યું? એ  ભૂલના પરિણામથી–
ચણેલી એક ઇમારતનો આધાર કરી શક્યા નહીં. (વધુ…)

હજીયે અકબંધ છે! જૂન 26, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
7 comments

Meghdhanush 

એક વાર
મારા હ્રદયની
ધરતી પર પડેલાં
તારા
અહેસાસનાં ટીપા,
અને એમાંથી
વારંવાર
પસાર થયેલાં
તારી યાદનાં
કિરણોએ
મેઘધનુષી
રંગોથી રંગેલું
મારા અંતરનું
આકાશ
હજીયે અકબંધ છે!

“ઊર્મિસાગર”

નહિંતર તો — જૂન 26, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
5 comments

નહિંતર તો ફુટે નહીં આમ ઝરણું એમાંથી,
નયનોનાં રણમાં જરુર આભ ફાટ્યું હશે.

નહિંતર તો રેલાય નહીં મેઘધનુષનાં રંગો,
સુરજે કિરણોથી જરૂર ઘટાને છેડી હશે.

નહિંતર તો ખરે નહીં કંઇ આભેથી તારલાઓ,
ધરતીની વિશાળતા જરૂર એમને અડી હશે.

નહિંતર તો ચુકે નહીંહ્રદય ધડકવાનું કદી,
પ્રભુને પણ અમારું કોઇ જરૂર કામ પડ્યું હશે.

નહિંતર તો સ્ફૂરે નહીં અમસ્તી કવિતા અમને,
ઉરમાં તમારી  ‘ઉર્મિ’  જરૂર  હેલે  ચડી  હશે.


— ઉર્મિ સાગર

તને હું ગમું છું -અજ્ઞાત જૂન 25, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
6 comments

તને હું ગમું છું: મને તું ગમે છે
છતાં આ વિધિને શું વાંકું પડે છે?

તને મળવા માટે નરી યાતનાઓ
કહે કુંડળીમાં કયો ગ્રહ નડે છે? (વધુ…)

એક હતી સર્વકાલીન વાર્તા -જગદીશ જોષી જૂન 23, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
6 comments

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?
માનો કે હોઠ સહેજ મ્હોરી ઉઠ્યાં ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ ક્યાંક ઝુકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?
માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

— જગદીશ જોષી

લો રામ રામ -‘શૂન્ય’ પાલનપુરી જૂન 22, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
3 comments

વિરહમાં ક્યારેક ઘેલા મનને બહેલાવું છું આમ
દ્વાર ખખડાવું છું મારાં લઇને હું મારું જ નામ.

આભ-ધરતી બેઉ ચોળે છે લલાટે ગર્વથી
પ્રેમીઓની ભસ્મનો પણ છે બહુ ઉંચો મુકામ.

મોત ને મોતીમાં ઝાઝું ખાસ કૈં અંતર નથી
મરજીવા, તારી લગનને રૂપની લાખો સલામ.

પ્યાસ કેવી છે સમંદરની નથી એને ખબર
સાવ પાણીમાં જવાની છે નદીની દોડધામ.

પ્રેમમાં એ રામ પેદા કર કે તારી જિંદગી
મોત પહેલાં કહી શકે ખુદ મોતને લો રામરામ.

કેટલા ભોળા છે આ દુનિયાના લોકો શું કહું?
શૂન્ય છું જાણ્યા છતાં પૂછે છે મારું નામઠામ.

— ‘શૂન્ય’ પાલનપુરી

શબ્દો ભિંસાયા કરે જૂન 22, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
8 comments


મુખમાં મૌનનાં શબ્દો ભિંસાયા કરે
હ્રદયમાં વેદનાની વાણી પિસાયા કરે

પસાર થતી હર ક્ષણ ભુંસાયા કરે
અતીત ની કોઇ પળ ડોકાયા કરે

રણમાં ઝાંઝવાનાં જળ ઉભરાયા કરે
ગઇકાલમાં મારી આજ સરકાયા કરે

શમણાંઓનું આખું નગર સર્જાયા કરે
ખુલી જાય આંખો તો વિખરાયા કરે

શબ્દો મને દૂરથી લલચાવ્યા કરે
ભેગા કરવા જાઉં તો ઉલજાવ્યા કરે


  — ઉર્મિ સાગર

વાંસળી -અજ્ઞાત જૂન 22, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, મુક્તકો/શેર.
add a comment

દિલ વિંધાયું, ને ગીતો ગુંજ્યા, તો સમજાઇ ગયું,
કે લાકડાનાં છિદ્રમાંથી વાંસળી વાગી શી રીતે?

* ખબર નહી કેમ, હું નાની હતી ત્યારથી આ કડી મારે મોંઢે ચડી ગયેલી જે આજે પણ એટલી જ તાજી છે. ખબર નથી કે એ કોઇ કવિતાની કડી છે કે બસ આ કડી જ એક કવિતા છે. કોઇને એ વિશે માહિતી હોય તો જરૂર જણાવશો.

અસ્તિત્વ જૂન 21, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.
1 comment so far

તારામાં ક્યાંક ખોવાઇ ગયેલી હું,
મળી નહીં ક્યારેય પાછી મને હું.  

 * * *

ભરેલાં મનની ફરીયાદ હતી,
મને કયારે ખાલી કરીશ તું?’   

* * *

હ્રદય, મન, બુધ્ધિ, ને અસ્તિત્વમાં,
શોધું હું ખુદને, જ્યાં હોઉ હું તમારા વિના

 * * *

કંઇ કેટલાયે વરસો ફરીને આવ્યો છું અહીં,
છતાંય મારા પગલાં આગળ વધ્યાં નથી

* * * 

“ઊર્મિસાગર”

*

પ્રેરણા જૂન 21, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
1 comment so far

ફુલ ના બન તું, જે કરમાય જાય,
જ્યોત ના બન તું, જે બુઝાઇ જાય,
તારો ના બન તું, જે ખરી જાય,
મારા જીવનની એક એવી દશા બન તું,
ના જીવવું હોયુ મારે, ને તોયે જીવાય જાય!

* * *

ઊર્મિસાગર

*

આત્મહત્યા જૂન 21, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.
5 comments

કોઇ સતત કરે છે કાળજા પર ઘા,
ભટકતો રહ્યો કાતિલ ની તલાશમાં–
થાકીને થોભ્યો બે ઘડી તો જોયું,
ખંજર તો હતું મારા હાથમાં!

“ઊર્મિસાગર”

સ્મરણોનું રણ જૂન 21, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.
5 comments

હૈયામાં ધગધગતું તારા સ્મરણોનાં સહરાનું રણ,
અને એજ રણનાં ઝાઝંવામાં ખીલતું તારા સ્નેહનું કમળ!

* * *

જતી નથી તમારી તો ક્યારેય અમારા અંતરમાંથી,
તમને પણ આવતી ક્યારેક તો અમારી યાદ હશેને?

* * *

તારા સ્મરણો મારી ઉર્મિઓ સાથે અડપલાં કરે છે,
સમય કસમય જુવે ને બસ આવ્યા કરે છે.

* * *

સમયની ભીની રેત પર યાદોનાં પગલાં પડ્યા છે,
ના તો રેત સુકાય છે, ના પગલાં ભુંસાય છે.

* * *

નહિંતર તો ફુટે નહિં આમ ઝરણું એમાંથી,
નયનોનાં રણમાં જરુર આભ ફાટ્યું હશે!

* * *

કૈંક એવી રીતે રોક્યો છે વૈશાખના વરસાદને આજે,
આવશે જો એક વાયરો તો વરસી જશે અનરાધાર
.

* * *

“ઊર્મિસાગર”

*

સમય જૂન 21, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
11 comments

ઉજાસને ખોબામાં ભરતા મને જોઇને,
મુઠ્ઠીભર અંધકાર વેરી ગયો સમય.

રણને તરસથી તરફડતું જોઇને,
ઝાંઝવા
નાં જળ પીરસી ગયો સમય.

ઝાંકળને પંપાળતા તડકાને જોઇને,
આકાશ વાદળીયું કરી ગયો સમય.

તારી ને મારી વચ્ચેની ઇમારતને,
પળમાં
ધરાશયી કરી ગયો સમય.

જિંદગીને દુ:ખના દરિયામાં ડુબોવીને,
સુખનો એક અવસર આપી ગયો સમય.

                      — ઉર્મિ સાગર

પ્રેમનું ગણિત જૂન 21, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.
2 comments

જિંદગીનાં સરવાળામાં ઉમેરાય છે તું,
અને ભાગાકારમાં શેષ રહી જાય છે તું,
વળી ગુણાકારમાં હંમેશા ગુણાય છે તું,
તો બાદબાકીમાં શૂન્ય બની જાય છે તું.

* * *

જિંદગીનાં મધ્યાંતરે આવીને તમે, એને કાટ્ખૂણે વાળી દીધી.
નહિંતર સીધી રેખામાં જીવન જીવ્યે જતાં હતાં અમે!

* * *

ભલેને થતી હોય અમારી ગણત્રી બુધ્ધિજીવીઓમાં,
હકિકત તો છે કે ઉર્મિઓને વાળતા પણ નથી આવડ્યું

* * *

અધર્મિ કહે કે ધર્મિ તું મને, તારી મરજી,
ઉર્મિઓના હિસાબમાં જાણીબુઝીને ભૂલો કરું છુ.

* * *

“ઊર્મિસાગર”

હું ધીરે ધીરે તારાથી તો છૂટી ગયો -સુરેશ દલાલ જૂન 19, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
add a comment

હું ધીરે ધીરે તારાથી તો છૂટી ગયો,
હું ધીરે ધીરે મારાથી પણ છૂટી ગયો.

આ તારું મારું ખોટું છે,
પ્રેમનાં નામે ઓઠું છે.

આ કાળ આપણને હળવે હળવે લૂંટી ગયો,
હું ધીરે ધીરે તારાથી તો છૂટી ગયો.

છલનાં પણ કયાં સુધી રે છલક્યા કરવું,
આ છળકપટમાં કયાં સુધી કહે મલક્યાં કરવું.

લાગણીનો એક ફુગ્ગો કેવો ફૂટી ગયો,
હું ધીરે ધીરે તારાથી તો છૂટી ગયો.

–સુરેશ દલાલ

આમ જુઓ તો -સુરેશ દલાલ જૂન 18, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.
2 comments

આમ જુઓ તો
તારી ને મારી વચ્ચે કાંઇ નહીં
ને આમ જુઓ તો —
— દરિયો અપરંપાર
આમ જુઓ તો કાંઇ નહીં
ને આમ જુઓ તો —
ભવ આખાનો ભાર.

— સુરેશ દલાલ

કવિ કાન્તને શ્રધ્ધાંજલિ જૂન 16, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
4 comments

“સાગર અને શશિ” –કવિ કાન્તની લોકપ્રિય કવિતા…

આજ, મહારાજ ! જલ ઉપર ઉદય જોઇને
ચંદ્રનો, હ્રદયમાં હર્ષ જામે,

સ્નેહધન, કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહિ ઉત્કર્ષ પામે;
પિતા, કાલના સર્વ સંતાપ સામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ સામે !

જલધિજલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસ્વમાંહિ સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સ્રુષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

તરલ તરણી સમી સરલ તરતી,
પિતા, સ્રુષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
–કાન્ત (મણિશંકર રત્નજી ભટ્ટ)

જન્મ – 20/11/1867
મરણ – 16/6/1923

કવિ કાન્તની આજે પુણ્યતિથિ છે. એમને ભાવભરી શ્રધ્ધાંજલિ…

ગુજરતી સાહિત્યમાં મહત્વનું યોગદાન આપનાર કવિ મણિશંકર રત્નજી ભટ્ટ “કાન્ત”ના ઉપનામથી જ ખ્યાતિ ધરાવતા હતા અને મધુર ઉર્મિકાવ્યના સર્જક પણ હતા. એમની પોતાની એક આગવી કાવ્ય શૈલીથી એમણે કાવ્ય સાહિત્યને મધુર અને સંવાદિ બનાવ્યું હતુ. આકસ્મિક સંજોગો એવા બન્યા કે એમનો કાવ્યસંગ્રહ “પૂર્વાલાપ” પ્રગટ થયો એજ દિવસે તેમનું અવસાન થયું હતું.

એમનાં જીવન વિષે વધુ જાણકારી મેળવવી હોય તો નીચી આપેલી લિંક ઉપર ક્લિક કરો.
કાન્ત – 1
http://www.gujaratsamachar.com/gsa/20060604/guj/supplement/art2.html
કાન્ત – 2
http://www.gujaratsamachar.com/gsa/20060611/guj/supplement/art2.html
કાન્ત – 3
http://www.gujaratsamachar.com/gsa/20060618/guj/supplement/art2.html

નમસ્તે! જૂન 10, 2006

Posted by ઊર્મિ in પરિચય.
6 comments

પ્રિય મિત્રો,

મારા વેબલોગ પર તમારું હાર્દિક સ્વાગત છે.

મારી પસંદની પ્રખ્યાત કવિઓની રચનાઓ તથા માત્ર મારા શોખને લીધે જન્મેલી થોડી સ્વરચિત ક્રુતિઓ રજૂ કરુ છું. મારી ક્રુતિઓ વાંચીને મને આપવા લાયક અભિપ્રાય કે સલાહ હોય તો જરુરથી આપશો.

“ઉર્મિ સાગર”