jump to navigation

સગપણ ક્યાં છે? -પ્રબોધ જોશી એપ્રિલ 4, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.
5 comments

mor_sml.jpg

અમે મોર હોઈએ તો –
અમારાં ખરેલાં આંસુ વીણજો.

વાદળ સમા તરતા પ્રસંગોને
અમે બોલાવશું –
તમે વરસજો.

આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો.

* * *

આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે -ખલીલ ધનતેજવી એપ્રિલ 1, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
3 comments

heart_tear.jpg 

આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,
મેઘ વરસી પડે તો ફલક ઊઘડે.

ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,
પોપચાં થરથરે ને પલક ઊઘડે.

રોજ લાગે કોઈ યાદ કરતું હશે,
રોજ છાતીમાં ઝીણી સલક ઊઘડે.

પારકા દેશમાં તારી યાદ આવતાં,
ઘર તો ઘર, આખેઆખો મલક ઊઘડે.

છો ખલીલ! આજ મન થોડું હળવું થતું,
આંખમાં છોને ભીની ઝલક ઊઘડે!

* * *

અલ્લા બેલી –શૂન્ય પાલનપુરી માર્ચ 30, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
8 comments

bundle.jpg

સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી,
ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’!  હિંમત બોલી ‘અલ્લા બેલી’!

નાવ ઊતારુ હો કે માલમ, સૌને માથે ભમતું જોખમ,
કાંઠા પણ દ્રોહી થઇ બેઠા, મઝધારે પણ માઝા મેલી.

એવાં છે પણ પ્રેમી અધુરા, વાતોમાં જે સુરાપુરા,
શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી.

કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!

આપખુદીનું શાસન ડોલ્યું, પાખંડીનું આસન ડોલ્યું,
“હાશ” કહી ઈશ્વર હરખાયો, ‘શૂન્યે’ જ્યાં લીલા સંકેલી.

* * *

કવિ પરીચય

*

આજ્ઞાંકિત મન માર્ચ 24, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
9 comments

far_away.jpg  

ઘણું સમજાવ્યું મેં
મારા રક્તને,
પણ એણે રંગ
ન જ બદલ્યો !

ઘણું સમજાવ્યું મેં
મારા અંતરને,
પણ એણે સંગ
ન જ બદલ્યો !

જરા જો સમજાવ્યું મેં
મારા મનને,
તો એ બિચારું-
તરત જ સમજી ગયું!!

* * * 

ઊર્મિસાગર

*

ઈચ્છા-મુક્તિ? માર્ચ 22, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
15 comments

mukti_laminated.jpg 

એક દિવસ
એનાથી મુક્ત
થવાની ઈચ્છાએ,
એક ઈચ્છાને મેં
લેમિનેટ કરી દીધી;
પણ રખેને
એ છટકીને
ક્યાંક બહાર
નીકળી જાય તો?!
એ બીકે હવે
હું એને
અહર્નિશ,
નિહાળ્યાં જ કરું છું…

* * * 

ઊર્મિસાગર

*

તારી ને મારી જ ચર્ચા -ખલીલ ધનતેજવી માર્ચ 20, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
12 comments

lovebirds.jpg

તારી ને મારી ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી!

આપણે એકાંતમાં ક્યારેય ભેગા ક્યાં થયાં ?
તોય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી!

આપણે એક સાથે શ્વાસોશ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી!

કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું ?
આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી!

આપણે તો પ્રેમનાં અરમાન પુરવાના હતા,
કાં અજુગતી કોઈ ઈચ્છા આપણી વચ્ચે હતી!

આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,
ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી!

યાદ કર પુણ્યશાળી પાપની એકેક ક્ષણ
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી!

એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે મંથરા આપણી વચ્ચે હતી!

* * *

ઘાવ હજી પણ તાજા છે -શોભિત દેસાઈ માર્ચ 17, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
8 comments

શબ્દો જેવા કાગળ પરના ઘાવ હજી પણ તાજા છે,
પાણી જેવા ઝાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

વાત પ્રસંગોની ને સામે ચોમાસું ભરપૂર હતું,
‘કોઈ નથી’ની અટકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

નથી નીકળતા લીલા શ્વાસો એક અજાણ્યા ચહેરાના,
આંસુ જેવા મૃગજળ પરના ઘાવ હજી પણ તાજા છે

હતી ઉદાસી આંખોમાં પણ ચહેરે જુદો ભાવ હતો,
કોઈ તૂટેલી સાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

* * *

મુક્તક: વિવેક છે! માર્ચ 16, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.
3 comments

મિત્ર વિવેકને એના જન્મદિવસે
આ મુક્તક સસ્નેહ અર્પણ !

*

શ્વાસોને શબ્દોમાં ભરતો વિવેક છે,
શબ્દોના શ્વાસો ઢંઢોળતો વિવેક છે,
શબ્દોમાં મારા પણ આવ્યો છે એ જરા,
જાણે સ્વયમ્ એ ઊભરતો વિવેક છે!

* * *

ઊર્મિસાગર

*

સહિયારું સર્જન પર ‘વિવેક’ વિષય પર કાવ્ય લખવા આમંત્રણ!

*

મુક્તક: કંકોતરી -અમૃત ‘ઘાયલ’ માર્ચ 13, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, મુક્તકો/શેર.
4 comments

lostrip.gif

કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે,
એને પસંદ છો હું નથી, શાયરી તો છે,
વર્ષો પછી યે બેસતા વરસે એ દોસ્તો,
બીજું તો નથી એમની કંકોતરી  તો છે!

lostrip.gif

મનહર ઉધાસના કંઠે સ્વરબદ્ધ થયેલ આસીમ રાંદેરીની કંકોતરી મારી ખૂબ જ પ્રિય છે…
આજે તો સાંભળતા સાંભળતા આ મુક્તકની સાથે લખી જ દીધી!

lostrip.gif

કંકોતરી -આસીમ રાંદેરી માર્ચ 13, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
19 comments

kankotri.gif 
lostrip.giflostrip.gif

મારી એ કલ્પના હતી કે વિસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે. (વધુ…)

એક પ્રસંગ -અજ્ઞાત માર્ચ 12, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, મુક્તકો/શેર.
2 comments

holi3.jpg

વાતાવરણનો રંગ ગઝબનો ફરી ગયો,
રજ રજને જાણે કે બગીચો મળી ગયો,
બોલાયું મારું નામ ને સર્જાયો એક પ્રસંગ,
માથેથી દુપટ્ટો એકાએક સરી ગયો !

* * *

અરે, કોઇ તો… -જગદીશ જોષી માર્ચ 8, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
2 comments

હું એકાગ્ર ચિત્તે વાંચું છું.

સામેની બારીનો રેડિયો
મારા કાનમાં કંઇક ગર્જે છે.
દીવાલ પરનું ઇલેક્ટ્રિક ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે. (વધુ…)

વિખેરાઇ જાઉં છું -સતીશ ‘નકાબ’ માર્ચ 6, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, મુક્તકો/શેર.
7 comments

carom.jpg

સ્ટ્રાઇકરમાં હોઉં છું, તો એકાગ્ર હોઉં છું,
કુકરીઓમાં સાવ વિખેરાઇ જાઉં છું.

* * *

આ ક્ષણને માણો! માર્ચ 5, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
7 comments

sun_in_cloud.jpg

ક્ષણ ક્ષણ કરીને, જુઓ, સઘળી ચાલી ક્ષણો.
રાહ જુઓ છો જેની તમે, ન પણ આવે એ ક્ષણો,
બનાવો એ જ જીવનમંત્ર- ‘આ ક્ષણને માણો!’
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો…

આ જ ક્ષણમાં મળશે બધી ચિરાનંદની ખાણો,
ચાલી જશે એ, રોકી શકે ના, એને  કો’ મહારાણો,
સમજે જે આ સત્ય સનાતન, એ જ નર છે શાણો,
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો…

માણ્યા કરો! ના કરશો કોઇ, એના ખાલી વખાણો,
પસ્તાશે જે અવગણશે આ સમય કેરી સરાણો,
અંતરની વાણીમાંથી યે એક જ સૂર સંભરાણો, 
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો!

આ ક્ષણને માણવા હું ય નિજ અંતરમાં ગુંડાણો,
ઊર્મિના સાગરમાં આવી હું ય ક્યાંક ખોવાણો,
છો લાગે મને કો’ ક્ષણે, મુજ ઊર-સાગર તો કાણો,
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો…

* * *

હેપ્પી બર્થ ડે, સુરેશદાદા!!
‘સહિયારું સર્જન’ પર દાદાની બર્થ ડે સરપ્રાઇઝ!

* * * 

ઊર્મિસાગર

*

હાઇકુ – 2 : ફાગણ અને હોળીનાં રંગો માર્ચ 3, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ.
4 comments


   ફાગણ આવ્યો,
                હોળી સળગી,               કેસૂડો જોઇ
પણ સાજન વિણ           હોમેલી એક ઇચ્છા-        યાદ આવ્યું, કે હું ય
  મને ના ભાવ્યો!               કાં ન સળગી?               કેસૂડો હતી!
               krishna_gopi_holi.gif

              લજ્જા ઊભી,                           રંગો શેં રંગે
              શેં કહું તુજને પ્રિયે?                    મને? રંગાઇ છું હું 
             ‘હા, રંગો મને!’                        તો શ્યામ રંગે!

                                                * * * 

                                  ઊર્મિસાગર

                                                   *

હાઇકુ-૧

‘સહિયારું સર્જન’ પર ફાગણ અને હોળી વિષય પર કાવ્ય લખવાનું આમંત્રણ!

લે’રખી માર્ચ 2, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
6 comments

 tornado2.jpg

ઓ’લા વાયરાએ
લે’રખીને કાનમાં
એવું તે
શું કહ્યું?
કે
લે’રખી
બની ગઇ
અચાનક
વાવાઝોડું?!

* * * 

ઊર્મિસાગર

*

તસ્બી: નિર્વાણતંદ્રા -પંચમ શુક્લ ફેબ્રુવારી 26, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
7 comments

અચાનક અકળ કૈં દ્રવી જાય છે,
ઝીલું ત્યાંજ એ ઝરમરી જાય છે.

ધધખતાં હ્રદયની ધમણ ફૂંક પર,
રુધિર લોહરસમાં ઢળી જાય છે. (વધુ…)

ભરોસો કરું છું -સૈફ પાલનપુરી ફેબ્રુવારી 22, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
4 comments

અમોલા વિચારોનાં પુષ્પો ધરું છું
ગઝલ-પ્રેમ મારો પ્રદર્શિત કરું છું.

નયનથી વહાવી જિગર-ખૂન આજે
પ્રણયની કથાઓમાં લાલી ભરું છું. (વધુ…)

‘હા’ -સૈફ પાલનપુરી ફેબ્રુવારી 18, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
8 comments

પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ,
કેવી નાદાની સંજોગવત થઇ ગઇ.

હાર કે જીત જેવું કશું ના રહ્યું,
જિંદગી એક અમસ્તી શરત થઇ ગઇ. (વધુ…)

એ પ્રેમ છે! ફેબ્રુવારી 14, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો, મુક્તકો/શેર.
9 comments

મારા પ્રેમને અર્પણ…સપ્રેમ !

red_heart3.gif

હું શબ્દોથી જો કહું તને કે પ્રેમ છે, એ પ્રેમ છે?
જે ઊર્મિને મઢવાને શબ્દો કમ પડે એ પ્રેમ છે.

સાથનો અહેસાસ દુરતામાં રહે એ પ્રેમ છે.
મિલનની જો પ્યાસ મિલનમાં રહે એ પ્રેમ છે.

દે ભલે ને, દુ:ખ વિરહનું કાળજે નાશૂર બની,
સ્મિત બનીને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.

અપેક્ષાની છાસને અહર્નિશ વલોવ્યા કરો,
ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.

મારું નથી, તારું નથી, અસ્તિત્વ તો છે સાથનું,
સમજણ એવી ક્યાંકથી આવી ચડે એ પ્રેમ છે.

પળે પળે ચણાયેલાં આ ભૂતકાળનાં ખંડહરો,
એકાદ પળ આવી ફરી ચણતર કરે એ પ્રેમ છે.

આવે કદી જો ઓટ મારા ઊર્મિના સાગર મહીં,
તુજ યાદની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.

* * *

‘સહિયારું સર્જન’ પર પ્રેમની કાવ્યાત્મક વ્યાખ્યા લખવાનું આમંત્રણ!

* * * 

ઊર્મિસાગર

*

પ્રેમ એટલે- ફેબ્રુવારી 14, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો, મુક્તકો/શેર, મુક્તપંચિકા/હાઇકુ.
4 comments

heartballoonpreview.gif

પ્રેમનો આ દિવસ મુબારક હો સૌને!
ઇચ્છાઓ ફળે સૌ તમારી તમોને!
એક જ દિવસ તે વળી હોતો હશે પ્રેમનો?
જરૂરત આ દિ’ની છે હર દિન અમોને!
  

– હાઇકુ –

પ્રેમ એટલે
હર વ્યાખ્યાથી પર-
ઊર્મિનું હેમ!

* * *

પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…

પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…

પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…

પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ…

*

‘સહિયારું સર્જન’ પર પ્રેમની વ્યાખ્યા કરવાનાં વિષય ઉપર લખેલી રચનાઓ… 

* * * 

ઊર્મિસાગર

*

એક લોકકથા -સૈફ પાલનપુરી ફેબ્રુવારી 11, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, નઝમ.
7 comments

king1.gif 

એક રાજાએ એક પંડિતને એવું એક ફરમાન કર્યું
આજ સુધી ના ખીલ્યાં એવાં જ્ઞાની ફૂલ ખિલાવી ધ્યો;
સ્મિત કરીને પંડિત બોલ્યા- ‘રાજન, મારું કામ નહીં’
એ માટે તો ક્યાંકથી કોઇ પ્રેમિકા બોલાવી લ્યો. (વધુ…)

પરબનાં પાણી -ડૉ.દિનેશ શાહ ફેબ્રુવારી 8, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
4 comments

 parab_tara_pani2.JPG

પરબનાં પીધાં મેં પાણી
માડી, તારી પરબનાં પીધા મેં પાણી…

ધખધખતા વૈશાખી આકાશ નીચે
કંતાયેલી કાયા તોય પાણી સીંચે
તરસ્યો મુસાફર ને પગ: કાંટા નીચે
એના થંભે પગલાં સૂણી મીઠી વાણી
પરબનાં પીધાં મેં પાણી… (વધુ…)

વૈશાખનો વરસાદ ફેબ્રુવારી 5, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
6 comments

afterain.jpg

તારો પ્રેમ-
એક એવો વરસાદ,
જે સંભાવના શૂન્ય
વૈશાખના ધોમધખતા
તાપમાં પણ
વરસે છે મુશળધાર…
તો ક્યારેક
ગરજતાં વાદળો
અને
ચમકતી વીજળીને
પણ ઠગી જાય છે…
અને ફરી,

હું કોરી જ રહી જાઉં છું!

* * * 

ઊર્મિસાગર

*

શા માટે? -વેણીભાઇ પુરોહિત ફેબ્રુવારી 1, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
4 comments

જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?

આ આંખ ભટકતાં થાકી ગઇ, આ પ્રેમને પોરો ખાવો છે,
કોઇ દિલની સરાઇ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે? (વધુ…)

ચમત્કારી છપ્પો અને ગાંધીજી! જાન્યુઆરી 30, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
6 comments

આજે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પર એમના જ સિધ્ધાંતોને યાદ કરવા કરતાં પણ અધિક અંજલિ બીજી કઇ હોઇ શકે?  ગાંધીજીના જીવનમાં નીતિ અને સત્યને ઘોળવામાં એક છપ્પાએ અગત્યનો ભાગ ભજવેલો, જે હું એમનાં જ શબ્દોમાં અહીં ટાંકુ છું.

gandhi.jpg

ગાંધીજીની ‘સત્યના પ્રયોગો’ આત્મકથામાંથી… ગાંધીજીના જ શબ્દોમાં… (પૃષ્ઠ 32) (વધુ…)

છેલ્લી પ્રાર્થના -ઝવેરચંદ મેઘાણી જાન્યુઆરી 28, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
8 comments

bharatdevi.jpg

હજારો વર્ષની જૂની અમારી વેદના;
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા;
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાં;
સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ! (વધુ…)

જ્યારે પુછ્યું તમે, કેમ છો? જાન્યુઆરી 27, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
2 comments

indian_girl.jpg 

મુજ ઊર્મિએ શમણાંનો માળો બાંધ્યો,
નયનથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

પાનખરમાં વસંતનું આગમન થયું,
સ્મિતથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

સંગીતના સૂર બધા છેડાયા એકસાથ,
સ્પર્શથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

વિરહમાંયે લાગ્યું કંઇક મિલન જેવું,
ઊર્મિથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

પણ, એજ ઊર્મિએ આજે દમ તોડ્યો,
મુખથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

* * *

સહિયારું સર્જન પર ‘કેમ છો?’ વિષય પર લખેલી રચના !

* * * 

ઊર્મિસાગર

*

રાષ્ટ્રગીત -રવીન્દ્રનાથ ટાગોર જાન્યુઆરી 26, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
4 comments

ગણતંત્ર દિવસની સૌ મિત્રોને શુભેચ્છાઓ! 

india-flag-200×200.jpg 

જન ગણ મન અધિનાયક જય હે,
ભારત ભાગ્યવિધાતા…
પંજાબ સિન્ધુ ગુજરાત મરાઠા
દ્રાવિડ ઉત્કલ બંગ…
વિંધ્ય હિમાચલ યમુના ગંગા
ઉચ્છલ જલધિ તરંગ…
તવ શુભ નામે જાગે…
તવ શુભ આશીષ માંગે…

ગાહે તવ જયગાથા
જન ગણ મંગલદાયક જય હે,

ભારત ભાગ્યવિધાતા…
જય હે… જય હે… જય હે…
જય જય જય જય હે…!

* * *

નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વાર ડિસેમ્બર ૨૮, ૧૯૧૧ ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને ૨ જાન્યુઆરી, ૧૯૪૭ ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સમ્માનિત કરાયું હતું.

અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક પહેલી તથા છેલ્લી કડી ને ૨૦ સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે.

(સાભાર વિકિપિડિયામાંથી)

*

સહિયારું સર્જન પર દેશભક્તિ અને શહીદી પર કાવ્યકૃતિ લખવાનું સૌને આમત્રંણ!

*

એક ઘા -કલાપી જાન્યુઆરી 26, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
78 comments

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં. (વધુ…)