jump to navigation

ચાલને, કવિતાનો ‘ક’ જરા ઘુંટીએ જુલાઇ 20, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
trackback

સાહિત્યમાં ઢબ્બુનો ‘ઢ’ છીએ તોયે,
ચાલને, કવિતાનો ‘ક’  જરા ઘુંટીએ.

ગઝલનાં ‘ગ’ને જાણતાં નથી તોયે,
શેરીઅત કરવાની ગુસ્તાખી કરીએ.

છંદ કોઇ કડીમાં ગોઠવાય નહીં તોયે,
થોડાં ઘણાં અછાંદસ ગોટાળા કરીએ.

ગીત ગળેથી કોઇ નીકળે નહિં તોયે,
ગેયતાની થોડી કત્લેઆમ  કરીએ.

તિર્યકનું તીર ભલે છટક્યા કરે તોયે,
કમાનમાં થોડા ખંડો ભેરવીએ.

મુક્તક ને હાઇકુ પકડાય નહિં તોયે,
ગદ્ય-પદ્ય સંગ ચલકચાણી રમીએ.

આંબલી-પીપળીની રમત નથી તોયે,
ચાલ ‘ઊર્મિ’, ફરી બાર’ખડી ભણીએ.

*** 

“ઊર્મિ સાગર”

ટિપ્પણીઓ»

1. Urmi Saagar - જુલાઇ 20, 2006

પ્રિય મિત્રો,

મારી લેખન-મર્યાદાનાં સ્વ-સ્વીકારથી સ્ફુરેલી આ કવિતામાં શક્ય છે કે હંમેશ મુજબ ઘણી ત્રુટિઓ હશે. આપ સૌના પસંદ-નાપસંદ મંતવ્યો હંમેશ મુજબ સહર્ષ સ્વીકાર્ય છે. આશા છે કે આપ માણી શકો!

સસ્નેહ…. “ઊર્મિ સાગર”

2. જયશ્રી - જુલાઇ 20, 2006

વાહ ઊર્મિ….
મઝા આવી, હોં..!!

મને પણ સાથે લઇ લેજો… કવિતાનો ‘ક’ હોય કે ગઝલનો ‘ગ’, બધામાં હું પણ ઢબ્બુનો ‘ઢ’ જ છું.

ઘણું સરસ લખ્યું છે, પરંતુ આ એક શેર મને જરા ‘નકારાત્મક’ લાગ્યો.

ગીત ગળેથી કોઇ નીકળે નહિં તોયે,
ગેયતાની થોડી કત્લેઆમ કરીએ.

કદાચ મને ‘કત્લેઆમ’ શબ્દ ખટક્યો.

એ સિવાય આખા ગીતમાં એવું જ લાગ્યું, કે મારી ઊર્મિઓ ને વાચા મળી.

આભાર…

3. ઊર્મિ સાગર - જુલાઇ 20, 2006

પ્રિય જયશ્રી, તમારા મંતવ્ય બદલ ખૂબ ખૂબ આભાર.
ગેયતાની મર્યાદા દર્શાવવા માટે ‘કત્લેઆમ શ’બ્દનો પ્રયોગ અહિં એટલી જ હળવાશથી કરવાનો પ્રયાસ થયો છે, જેટલી હળવાશથી બીજી મર્યાદાઓને વાચા આપવાની કોશીશ થઇ છે… આશા છે કે વાંચકો ‘કત્લેઆમ’ શબ્દપ્રયોગના મર્મને સમજી શકે.

તેમ છતાં આ કવિતાના માધ્યમથી જ્યારે મારી મર્યાદાઓને સ્વીકારવા જ બેઠી છું તો એ મર્યાદા પણ સ્વીકારી લઉં છું. 🙂

4. ધવલ - જુલાઇ 21, 2006

મને તો ગમી … બધી ગઝલો કંઈ ગંભીર જ હોવી જરૂરી નથી. કોઈ વાર આવી રચનાઓ પણ હોવી જ જોઈએ.

5. Himanshu - જુલાઇ 21, 2006

Ya I too like it. Wow… such a simple and nice gazal. We all should appreciate Urmi’s creativity.

6. અમિત પિસાવાડિયા - જુલાઇ 21, 2006

ઊર્મિ જી , બહુ જ સુંદર વ્યંગસભર રચના છે . સરસ !

7. Chirag Patel - જુલાઇ 21, 2006

One sentence for the web-site: જ્યા ઉર્મિનો ઘૂઘવતો સાગર ઉછાળા મારે ત્યા શબ્દો કે અર્થનું વધુ મહત્વ નથી રહેતું. I can feel heart emptied to create such work. Keep it up.
http://swaranjali.blogspot.com

8. સુરેશ જાની - જુલાઇ 22, 2006

” પીને વાલોંકો પીનેકા બહાના ચાહીયે.
ગાના આયે યા ના આયે ગાના ચાહીયે”

અભિવ્યક્તિનો આનંદ માણો. જાણકારો એમ કહે છે કે, જેમ જેમ લખશો તેમ તેમ પિંગળ તમારામાં પ્રગટશે. અને આપણે ક્યાં છાપે ચડવું છે?
હવે તો આપણાં પોતાનાં જ છાપાં!! આપણે જ લેખક. આપણે જ સંપાદક. અને આપણો પોતાનો પ્રેસ.અને કોઇ નહીં તો આપણે પોતે તો વાંચવાના ખરા !!! હવે કવિતામાં કાગળ અને શાહી અને કલમની કત્લેઆમ !!
રડો ! રડો ! પ્રકાશકો, ખૂબ રડો! તમારી જોહુકમીના દહાડા ગયા.

9. વિવેક - જુલાઇ 24, 2006

પ્રિય ઊર્મિ,

આપની ગઝલ તો પહેલાં જ વાંચી હતી પરંતુ અભિપ્રાય આપવામાં થોડો વિલંબ થયો છે. તમારા બ્લોગ પરની બધી જ ગઝલો વાંચી. મને લાગે છે કે હવે તમારે અહીં અટકીને થોડું પાછળ જોવાની જરૂર છે. થોડો વિચાર કરવાની તમને ફરજ પાડવી એટલો હવે તમારા વાંચકોનો તમારા પર અધિકાર થયો છે.

ગઝલ શું છે? હું શા માટે ગઝલ લખું છું?

જો આપ માત્ર નિજાનંદ ખાતર ગઝલ લખતાં હો તો જ્યાં છો ત્યાં બરાબર જ છે. પણ હું નથી માનતો કે આપ માત્ર નિજાનંદ માટે જ ગઝલ લખતા હો…. જો એમ જ હોય તો બ્લોગ બનાવવાની જરૂર જ શી હતી? જો આપ આપની ગઝલ દુનિયા સાથે વહેંચવાની મંશા રાખતા હો તો જરૂરી છે કે હવે ગઝલ શું છે એ સમજી લેવાય….

ગઝલમાં માત્ર છંદ જ નથી હોતા… અને ગઝલના છંદથી આપ એ કોઈ રાક્ષસ હોય એમ ડરવાની પણ કંઈ જ જરૂર નથી. રમતવાતમાં એ શીખી શકાશે. પણ જ્યાં સુધી આપ છંદ હસ્તગત ન કરી લો ત્યાં સુધી ગઝલના બંધારણને માત્ર જાળવી શકો તો ય ઘણું. કાફિયા અને રદીફ જાળવીને જો ગઝલ લખશો તો પણ સૌને એ માણવાની વધુ મજા આવશે….

ફિલ્મી ગીતો આપ સાંભળતા જ હશો…. શા માટે એ સૌને મોઢે રહી જાય છે? કારણકે એ છંદમાં હોય છે… ફક્ત થોડા ગીતોનું પૃથક્કરણ કરશો તો પણ છંદનો ખ્યાલ આવવા માંડશે. વધુ અભ્યાસ માટે રઈશ મનીઆર લિખિત લેખમાળા જે ગઝલગુર્જરી (http://www.ghazalgurjari.com/)ના બીજા અંક્થી છઠ્ઠા અંકમાં છે એ જોઈ લેશો. કાફિયા-રદીફ માટે મેં એસ.વી.ના બ્લૉગ (http://www.forsv.com/vaat-chit/viewtopic.php?t=6)પર મૂકેલી લિન્ક જોઈ લેવા વિનંતી છે.

મકરંદ દવેએ ગઝલના પ્રાણને ચાર ભાગમાં મૂલવ્યો છે. એમણે સૂચવેલા પ્રકાર હું મારી ભાષા અને મારા ઉદાહરણ દ્વારા કદાચ વધુ સારી રીતે અહીંના વાંચકોને સમજાવી શકીશ. ગઝલનો પિંડ ચાર તત્ત્વથી બંધાય છે:

1) હુસ્ન-એ-ખયાલ : વિચાર સૌંદર્ય…. ગઝલમાં પહેલી અગત્યની બાબત છે, વિચારોનું સૌંદર્ય. ‘એક થોર પર ફૂલ ઊગ્યું છે’ એમ કહીએ તો શું મજા આવે? પણ ‘ઊગ્યું છે રણના એક થોરની સમીપે પુષ્પ મજાનું’ કહીએ તો વાત એ જ રહે છે, પણ મજા બદલાઈ જાય છે.

2) અંદાજ-એ-બયાં : અભિવ્યક્તિ… વિચારોને રજૂ કરવાની છટા…. તમે જે કહેવા માંગો છો એ વિચારમાં માત્ર સુંદરતા હોવી જરૂરી નથી. એ વિચારની સુંદરતા તમે કેવી રીતે પેશ કરો છો એ વધુ અગત્યનું છે. ઉપરના જ વાક્યને ‘એક થોરની આંખોમાં ઊગ્યું છે પુષ્પ નામનું શમણું’ એ રીતે વાંચીએ તો સમજી શકાય છે કે એમાં હવે અંદાજે-બયાં પણ ઉમેરાયો છે.

3) મૌસિકી : એટલે સંગીત. ગઝલમાં માત્ર છંદ જ સંગીત નથી લાવતાં. વાતમાં છુપાયેલું સંગીત ક્યારેક છંદને પણ વધુ સુંદર બનાવે છે.
‘આંખોમાં આ થોરની આવ્યું છે શમણું પુષ્પનું’ – આ લીટી હવે છંદમાં છે એટલે વાંચતી વખતે એક લયની સુરખી મનમાં લહેરાતી હોવાના કારણે પંક્તિ કાયમ માટે યાદ રહી જવાની શક્યતા પણ વધી જાય છે. પણ આ પંક્તિ જો આ રીતે વાંચીએ તો?

‘થોરની આંખોમાં આવ્યું પુષ્પ નામે શમણું એક’ – આ રીતે વાંચીએ તો મનમાં કશુંક વધુ સારી રીતે રણકતું હોય એમ નથી લાગતું? પંક્તિ બંને છંદમાં જ છે. પણ આ બીજા પ્રકારમાં છંદ ઉપરાંત મૌસિકી યાને સંગીત હોવાને કારણે એ વધુ આહલાદક લાગે છે.

4) મારિફત : યાને આધ્યાત્મિક્તા. ઉપરના ત્રણ પાસા અગર ગઝલનો દેહ રચે છે તો મારિફત એમાં પ્રાણ ફૂંકે છે. એ અંદરથી આવે તો જ કવિ સાચો. આયાસે અને અનાયાસે રચાયેલી ગઝલોનો ફર્ક આધ્યાત્મિક્તા અથવા શેરમાં છુપાયેલું સારતત્ત્વ પકડી પાડે છે.
‘થોરની આંખોમાં આવ્યું પુષ્પ નામે શમણું એક
આયખાના રણમાં સઘળે થઈ ગયો શેં મઘમઘાટ ?’
-એક લીટીમાં એક જ વાતમાં ક્રમશઃ કેટલું પરિવર્તન આવ્યું એ સરળતાથી સમજી શકાય છે હવે?

ગઝલના પિંડને આટલો સમજી શકાય તો કવિતા કરવી સરળ થઈ જાય. કવિતા કરતી વખતે એ યાદ રાખવું ખૂબ જ આવશ્યક બની રહે છે કે કવિ એ કોઈપણ ભાષાનો મોભ છે. કવિના ખભા નબળા હોય એ સમાજમાં ભાષા કદી જીવી ન શકે. કવિતા એ માત્ર નિજાનંદ નથી, એક સામાજીક જવાબદારી પણ છે એટલું સમજી શકીએ તો ભાષાની સેવા સારી રીતે કરી શકાય.

પ્રિય ઊર્મિ, હવે આપની ગઝલોની વાત કરીએ. આપની ગઝલોમાં આ પહેલા બે ગુણો ઘણી સારી રીતે સમાસ પામ્યા છે. હુસ્ને-ખયાલ તથા અંદાઝે-બયાં- બંને આપ સારી રીતે જાળવી જાણો છો. મારિફત એ શબ્દની સાધનાથી આપમેળે આવશે. મહેનત કરવાની છે ફક્ત મૌસિકી અને છંદ માટે….

…આશા રાખું છું કે આપના હૃદયને આ વેળાએ સ્પર્શી શક્યો હોઈશ…!

-વિવેક

10. Urmi Saagar - જુલાઇ 24, 2006

પ્રિય વિવેકભાઇ, તમારો “પાઠ” વાંચ્યો… ફરી ફરી ને વાંચ્યો અને સમજ્યો… હજી ફરીને વાંચીશ અને પચાવવાનો પ્રયત્ન કરીશ. તમારો આખો પાઠ વાંચીને જાણે એક કોરા કેન્વાસ પર કોઇ એક આછું ચિત્ર ઉપસી આવતું હોય એવું લાગ્યું… એ આછા ચિત્રને વધુને વધુ ઉપસાવવાનો પ્રયત્ન હું જરૂર કરીશ!! ખરેખર ગઝલનાં પિંડને તમે ઉદાહરણ સાથે ખૂબ જ સરસ રીતે અને ઘણી સરળતાથી સમજાવ્યો છે! આ પાઠ ભણાવવા માટે તમે જે મહેનત કરી છે એ માટે મારી પાસે આભારના કોઇ શબ્દો જ નથી… એટલે કશું કહેવા કરતા માત્ર આપને નમન કરું છું.

બીજું એ કે ખરેખર હું નિજાનંદ માટે જ લખું છું અને આ બ્લોગ પણ નિજાનંદ માટે જ બનાવ્યો છે. મારી કૃતિઓ વાંચીને વાંચકમિત્રોના મંતવ્યો દ્વારા પ્રોત્સાહન અને પ્રેરણા મળતાં રહે એ જ લાલસાથી એમના સમક્ષ રજૂ કરું છું. થોડા આવાં જ મંતવ્યોનાં પરિણામે કવિતાનાં બંધારણ અને છંદ વિશે શીખવાની પ્રેરણા મળી. આમ તો નિજાનંદ ખાતર જ લખું છું પરંતુ એનો અર્થ એવો પણ નથી કે છંદ શિખવાનો અને છંદમાં લખવાનો પ્રયત્ન પણ નહીં કરું… જરૂર કરીશ.

વિવેકભાઇ, મારી એક છંદ વગરની કવિતાની કડીના રૂપમાં કહું તો કહી શકું કે —

“નહિંતર તો થાય નહીં છંદ શીખવાના અભરખાં અમને,
કવિતાના વિવેક સમા કોઇ માસ્તર જરૂર મળ્યાં હશે!”    🙂

અને મોડા મોડા પણ પાછા છંદ શીખવાનાં થયેલા અભરખાંને પુરા કરવા હોય તો ગુજરાતી શાળામાં થોડું ઘણું ભણીને ભુલી જવાની સજા રૂપે વિવેકભાઇ માસ્તરનાં ડંડા ખાવાની તૈયારી તો રાખવી જ પડેને!

તમારા બીજા પાઠોની પણ આતુરતાપૂર્વક રાહ જોવાશે.

આભાર સહ… “ઊર્મિ સાગર”

11. manvant - જુલાઇ 24, 2006

નિજાનંદાર્થે લખાયેલું કાવ્ય વાંચી સંતોષ અનુભવ્યો !
‘રસાત્મક વાક્ય તે કાવ્ય’ એમ કવિ મમ્મટે લખ્યું
છે.આપના અંતરની ઊર્મિઓએ અભિવ્યક્તિ બહુ
સારી કરી છે.અભિનંદન !

12. nilam doshi - ઓગસ્ટ 11, 2006

વિવેક ભાઇ જેવા શિક્ષક અને ઉર્મિબેન જેવા શિષ્ય…પછી શેર માં રંગત જામવાની જ.ને?

13. Dinesh O. Shah - ફેબ્રુવારી 15, 2007

પ્રિય ઊર્મિ,

કત્લેઆમ વાળી લીટી નીચે પ્રમાણે બીજા શબ્દોમાં લખી શકાય.

ગેયતાનો થોડો કોલાહલ કરીએ

આ સુચન બહુ નમ્રતાપુર્વક લખું છું, બાકી ગઝલ ઘણી સરસ છે.

દિનેશ ઓ.શાહ્


Himanshu ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: