મુક્તપંચિકા: સમય April 10, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.3 comments

ભૂત, ભવિષ્ય,
વર્તમાનનાં-
સુંદર વાઘાં પે’રી
સદા અહીં જ
રમે સમય!
*
વિરહ ક્ષણ,
મિલન ક્ષણ,
સમયની કેટલી
ક્ષણો! ને મારી
એકેય નહિં?!
*
શું સમેટું હું?
વેરવિખેર
પળોની મીઠી યાદ?
કે યાદની એ
મધુર પળો?
* * *
ઊર્મિસાગર
*
‘સમય’ પર મુક્તપંચિકાઓ - સહિયારું સર્જન પર…
*
પ્રેમ એટલે- February 14, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો, મુક્તકો/શેર, મુક્તપંચિકા/હાઇકુ.3 comments
પ્રેમનો આ દિવસ મુબારક હો સૌને!
ઇચ્છાઓ ફળે સૌ તમારી તમોને!
એક જ દિવસ તે વળી હોતો હશે પ્રેમનો?
જરૂરત આ દિ’ની છે હર દિન અમોને!
- હાઇકુ -
પ્રેમ એટલે
હર વ્યાખ્યાથી પર-
ઊર્મિનું હેમ!
* * *
પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…
પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…
પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…
પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ…
*
‘સહિયારું સર્જન’ પર પ્રેમની વ્યાખ્યા કરવાનાં વિષય ઉપર લખેલી રચનાઓ…
* * *
ઊર્મિસાગર
*
મુક્તપંચિકા: કન્હૈયો January 17, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.10 comments

*
કરે તું મને
પગપ્રહાર,
બનાવે જો સુંદર
ફરી, તો બનું
હું પણ કુબ્જા!
*
રાધા રિસાઇ
કુંજગલીમાં,
ને કાનો મથુરામાં,
મનાવે હવે
કોણ? કોને? ક્યાં?
*
હે રણછોડ!
બતાવ મને-
આ જીવનરણેથી
ભાગી હું, કઇ
દ્વારીકે જાઉં?
* * *
ઊર્મિસાગર
*
મુક્તપંચિકા: તાપીમાં આવેલા પુર ઉપર… December 8, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.3 comments
સૂર્યપુત્રીનો
પ્રકોપ હતો?
કે ધરતીપુત્રોનો?
પૂર આખરે
ઓસરી ગયા!
*
તાપીમાં માત્ર
પાણી છોડાયુ,
ક્યુસેકમાં- પણ આ
સાથે બીજું શું
શું વહી આવ્યું?
* * *
ઊર્મિસાગર
*
હાઇકુ-૧ November 22, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.6 comments
મને જ ડંખી,
મારી અપેક્ષા- બની
તારી ઉપેક્ષા!
*
જે નડ્યા મને
સદા, એજ ગ્રહોને
આજે હું નડી!
*
મારા દુ:ખનું
કારણ- હું કરતી
સુખની ખોજ !
*
મારી સંધ્યાની
આગોશમાં, ઓગળ્યો
તારો સૂરજ!
* * *
ઊર્મિસાગર
*
મુક્તપંચિકા: મનની અટકળ November 19, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.13 comments
રે થાક્યું મન,
અટક હવે!
લે, લઇ લે ચરણ
મારા, દઉં છું
હું દાન તને!
*
બોલાઇ ગયુ
કૈંક, પણ શેં
પાછું ખેંચી શકું હું?!
લાવ, બીજો કો’
શબ્દ ઉમેરું!
*
શબ્દોનાં તીર
હૈયાને છેદી
કરતાં છિન્નભિન્ન,
મુજ હસ્તિને
દફનાવું હું!
*
ગેરસમજ
જો સમજી લે
સૌ સમજણથી,
રહે ન કોઇ
ગેરસમજ!
*
પ્રથમ ઘર,
પિતાનું હતું,
પતિનું ઘર પણ
પુત્રનું થશે,
મારું ક્યાં હશે?!
* * *
ઊર્મિસાગર
*
મુક્તપંચિકા : પ્રથમ પ્રયાસ October 12, 2006
Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.8 comments
મિત્રો, મુક્તપંચિકા બનાવવાનો મારો આ પ્રથમ પ્રયાસ છે, આશા છે આપ સૌ એને માણી શકો! મુક્તપંચિકા બનાવવાની પ્રેરણા આપવા બદલ આપણા વડીલમિત્ર શ્રી હરીશભાઇ દવેનો ખૂબ ખૂબ આભાર… આપના અભિપ્રાય જરૂરથી આપશો. હરીશકાકાની મુક્તપંચિકાઓ માણવા માટે આપ અહીં ક્લિક કરો.
* * *
અર્પણ કરું,
તુજ ઊર્મિને,
ઊર્મિનો આ સાગર!
સ્થાપશો તવ
ઊરે પ્રિતમ?!


