કારોબાર રાખ્યો તેં – મનોજ ખંડેરિયા June 4, 2007
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, ગઝલ.9 comments
(મને અદ્ધર રાખ્યો તેં….. Lake George, NY- 8/23/’05)
હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.
એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.
કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.
આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.
શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.
* * *
*
એ મન હતું! May 25, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, ગઝલ.28 comments
This is for someone…
very dear…
very near…
and
very special…!
શબ્દમાં રણક્યાં કર્યુ એ મન હતું,
કાવ્યમાં ઝળક્યાં કર્યુ એ મન હતું.
કાળજે સણક્યાં કર્યુ એ મન હતું,
યાદમાં સળગ્યાં કર્યુ એ મન હતું.
સો કસમ ખાધી હતી- ‘અળગાં થશું’,
મનને જે વળગ્યા કર્યુ એ મન હતું.
ઠાર્યુ કદી ઠરશે નહીં- થઇ ખાતરી,
તે છતાં ઠાર્યા કર્યુ એ મન હતું.
થઇ સિકંદર છોને ધ્રુજાવી ધરા!
ખુદથી જે હાર્યા કર્યુ એ મન હતું.
તરબતર અંતર હતું બસ પ્રેમથી,
તોયે બસ ઝૂર્યા કર્યુ- એ મન હતું.
સ્નેહનો વરસી રહ્યો’તો મેહુલો!
ઊર્મિને તરસ્યા કર્યું એ મન હતું.
* * *
ઊર્મિસાગર
*
શું વળે? -શિવજી રૂખડા May 23, 2007
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, ગઝલ.6 comments

વાત બીજે વાળવાથી શું વળે?
ને હકીકત ખાળવાથી શું વળે?
આપણે તો આપણે, બસ આપણે,
જાત બીંબે ઢાળવાથી શું વળે?
ફક્ત કિરણ એક ઝીલી ના શક્યા,
સૂર્ય આખો ચાળવાથી શું વળે?
દોસ્ત, ઇચ્છાવન બહુ ઘેઘૂર છે,
ડાળખી ફંગોળવાથી શું વળે?
આપણો વિસ્તાર છે ફળિયા લગી,
ગામને ઢંઢોળવાથી શું વળે?
આંખ છે ખુલ્લી અને ઝોલે ચડ્યા,
દીપ ઝળહળ બાળવાથી શું વળે?
* * *
નહીં કરું -રઈશ મનીઆર May 21, 2007
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, ગઝલ.7 comments
સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.
આખા ય એના રૂપને અંકિત નહીં કરું,
કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું.
આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર,
એકે ય ફૂલ હું કદી સંચિત નહીં કરું.
પામી ગયો, મજા તો બસ ઉથાપવામાં છે,
તેથી હું જાતને કદી સ્થાપિત નહીં કરું.
બીજું કશું ય કરવા સમું પ્રાપ્ત થાય તો,
સાચું કહું છું, હુંય પછી પ્રીત નહીં કરું.
રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.
* * *
આજકાલ હું શ્રી રઈશ મનીઆરની પ્રતિનિધિ ગઝલો એમનાં પુસ્તક ‘સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી’ માંથી માણી રહી છું…(આભાર, વિવેક!) એમાંની જ એક આ ગઝલ અહીં પીરસી છે. હજી સુધી જેટલી પણ ગઝલો મેં વાંચી અને માણી છે, મને તો એ બધી જ ગઝલો એક એકથી ચડિયાતી લાગી… વાંચીને મોંમાથી અનાયાસે જ ‘WOW!!’ નીકળી જાય એવી આ ગઝલો વાંચી ત્યારે મને ખરેખર સમજાયું કે આપણા મિત્ર વિવેક એમનાં આટલા બધા વખાણ કેમ કરે છે!!!
*
