અમારું નવું ઘર… ઊર્મિસાગર.કોમ (urmisaagar.com)!! June 9, 2007
Posted by ઊર્મિ in અન્ય, ઊર્મિનો કલરવ.13 comments
Dear friends,
Today, 10th June is the First Birthday of my blog Urmi no Saagar, and I am very happy to announce that, I have now shifted my blog to my own domain….
www.urmisaagar.com
(Please note that urmisaagar with two ‘a‘ not one…
)
મિત્રો, તમને ખ્યાલ હશે જ કે ’ઊર્મિનો સાગર’ બ્લોગ પર હું મારી સ્વરચિત રચનાઓ અને મને ગમતાં અન્ય કવિઓનાં કાવ્યો પ્રસ્તુત કરતી હતી. મારી નવી વેબસાઇટ ઊર્મિસાગર.કોમ પર મેં આ બંને વિભાગોને અલગ અલગ બ્લોગ બનાવીને રજુ કર્યા છે… આશા છે કે તમને ગમશે! (જો કે, મુખ્ય વેબસાઇટ પર હજુ પણ ઘણુ કામ બાકી છે… અને ઘણી સગવડતા પણ આપવાની છે, જે અનૂકુળતા મુજબ હું જરૂર પૂરી પાડીશ… અને એ માટે આપ સૌના અભિપ્રાય પણ આવકાર્ય છે!)
આજથી ‘ઊર્મિનો સાગર’ એ માત્ર મારા અંતરની ઊર્મિનો સાગર જ બની રહેશે… અર્થાત્ ‘ઊર્મિનો સાગર’ એટલે મારા સ્વરચિત કાવ્યોનો -મારા ઊર્મિકાવ્યોનો બ્લોગ!
…અને ‘ગાગરમાં સાગર’ એટલે મને ગમતી બીજા કવિઓની રચનાઓનો બ્લોગ.
આ એક વર્ષની સફરમાં ઘણા સ્નેહી-મિત્રો અને વડીલોનો ખૂબ જ સહકાર, આશિર્વાદ અને માર્ગદર્શન મળ્યા છે… વાંચકમિત્રોનું ઘણું પ્રોત્સાહન પણ મળ્યું છે… અને એ માટે હું સૌની ખૂબ જ આભારી છું… સાથે સાથે એ હંમેશા મને મળતા રહેશે એવી આશા પણ રાખું છે !!
સસ્નેહ, ઊર્મિસાગર…
* * *
એ મન હતું! May 25, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, ગઝલ.28 comments
This is for someone…
very dear…
very near…
and
very special…!
શબ્દમાં રણક્યાં કર્યુ એ મન હતું,
કાવ્યમાં ઝળક્યાં કર્યુ એ મન હતું.
કાળજે સણક્યાં કર્યુ એ મન હતું,
યાદમાં સળગ્યાં કર્યુ એ મન હતું.
સો કસમ ખાધી હતી- ‘અળગાં થશું’,
મનને જે વળગ્યા કર્યુ એ મન હતું.
ઠાર્યુ કદી ઠરશે નહીં- થઇ ખાતરી,
તે છતાં ઠાર્યા કર્યુ એ મન હતું.
થઇ સિકંદર છોને ધ્રુજાવી ધરા!
ખુદથી જે હાર્યા કર્યુ એ મન હતું.
તરબતર અંતર હતું બસ પ્રેમથી,
તોયે બસ ઝૂર્યા કર્યુ- એ મન હતું.
સ્નેહનો વરસી રહ્યો’તો મેહુલો!
ઊર્મિને તરસ્યા કર્યું એ મન હતું.
* * *
ઊર્મિસાગર
*
હેપી મધર્સ ડે – મારો અનુભવ! May 13, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ.7 comments
બધા મિત્રોને હેપી મધર્સ ડે !

ઉસકો નહીં દેખા હમને કભી,
પર ઇસકી જરૂરત ક્યા હોગી?
એ મા… એ મા, તેરી સૂરત સે અલગ,
ભગવાન કી સૂરત ક્યાં હોગી… ક્યાં હોગી?
ઉસકો નહીં દેખા હમને કભી… (more…)
ડાળખી April 23, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કથાકાવ્યો.8 comments
(બરફવર્ષાથી કેમ બચું? મારી છત્રી કાણી છે… માર્ચ 16, 2007 )
નવા ઘરની બારીમાંથી
રોજ જોયાં કરું છું હું,
એને-
કેવી વળગી રહી છે એના ઝાડને એ ?!
ક્યારની હશે એ આમ ?!
સરસરાહટ છે હજી,
પણ પાંદડું એકેય નથી;
કેટલી નાજુક છે હજી,
પણ કુંપળ એકેય નથી !
જાણે, જીવંત જ નથી !
હા, મમતા હજી જીવંત છે.
જુઓને,
વિખુટા પડવાની વાતને
એણે,
ક્યાં સ્વીકારી છે ?!
એટલે જ તો,
ભલે ને કેટલાયે…
તોફાનોની જીક એણે ઝીલી છે,
વરસાદમાં એ પોતેય વરસી છે,
હિમવર્ષામાં એય થથરી છે,
તોયે હજી
એ વળગી રહી છે…
લટકી રહી છે…
હું રોજ અટકળ કરું છું કે-
પવનદેવ સાથેના જંગમા
આજે એ હારી જશે,
આજે જરૂર પડી જશે…
પરંતુ મને ખોટી પાડતી એ-
રોજ જ જીતે છે !
આજે,
અચાનક, જોઉં છું તો-
મારાં જ દર્શન મને કરાવતી એ,
દર્પણ બની ગઈ છે !
હવે મને ખાત્રી છે, કે
જ્યારે પણ હું બારી ખોલીશ-
ત્યારે,
મંદ મંદ હસતી,
ઝૂલતી ને ડોલતી,
મને ખોટી પાડતી,
એ ત્યાં જ હશે…
સદાય!!
* * *
ઊર્મિસાગર
*
ગલૂડીયાં April 18, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.8 comments

આજે સવારે
મારી ઊર્મિને
એકાએક
પ્રસુતિની
પીડા ઉપડી…
અને
વિયાયેલી
મારી એ
ઊર્મિને આવ્યા,
શબ્દોનાં થોડાં
ગલૂડીયાં…
અને એય
પાછા એક…દમ
વજનમાં!!
* * *
ઊર્મિસાગર
*
મુક્તપંચિકા: સમય April 10, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.4 comments

ભૂત, ભવિષ્ય,
વર્તમાનનાં-
સુંદર વાઘાં પે’રી
સદા અહીં જ
રમે સમય!
*
વિરહ ક્ષણ,
મિલન ક્ષણ,
સમયની કેટલી
ક્ષણો! ને મારી
એકેય નહિં?!
*
શું સમેટું હું?
વેરવિખેર
પળોની મીઠી યાદ?
કે યાદની એ
મધુર પળો?
* * *
ઊર્મિસાગર
*
‘સમય’ પર મુક્તપંચિકાઓ – સહિયારું સર્જન પર…
*
આજ્ઞાંકિત મન March 24, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.9 comments
ઘણું સમજાવ્યું મેં
મારા રક્તને,
પણ એણે રંગ
ન જ બદલ્યો !
ઘણું સમજાવ્યું મેં
મારા અંતરને,
પણ એણે સંગ
ન જ બદલ્યો !
જરા જો સમજાવ્યું મેં
મારા મનને,
તો એ બિચારું-
તરત જ સમજી ગયું!!
* * *
ઊર્મિસાગર
*
ઈચ્છા-મુક્તિ? March 22, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.15 comments
એક દિવસ
એનાથી મુક્ત
થવાની ઈચ્છાએ,
એક ઈચ્છાને મેં
લેમિનેટ કરી દીધી;
પણ રખેને
એ છટકીને
ક્યાંક બહાર
નીકળી જાય તો?!
એ બીકે હવે
હું એને
અહર્નિશ,
નિહાળ્યાં જ કરું છું…
* * *
ઊર્મિસાગર
*
મુક્તક: વિવેક છે! March 16, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.3 comments
મિત્ર વિવેકને એના જન્મદિવસે
આ મુક્તક સસ્નેહ અર્પણ !
*
શ્વાસોને શબ્દોમાં ભરતો વિવેક છે,
શબ્દોના શ્વાસો ઢંઢોળતો વિવેક છે,
શબ્દોમાં મારા પણ આવ્યો છે એ જરા,
જાણે સ્વયમ્ એ ઊભરતો વિવેક છે!
* * *
ઊર્મિસાગર
*
સહિયારું સર્જન પર ‘વિવેક’ વિષય પર કાવ્ય લખવા આમંત્રણ!
*
આ ક્ષણને માણો! March 5, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.7 comments

ક્ષણ ક્ષણ કરીને, જુઓ, સઘળી ચાલી ક્ષણો.
રાહ જુઓ છો જેની તમે, ન પણ આવે એ ક્ષણો,
બનાવો એ જ જીવનમંત્ર- ‘આ ક્ષણને માણો!’
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો…
આ જ ક્ષણમાં મળશે બધી ચિરાનંદની ખાણો,
ચાલી જશે એ, રોકી શકે ના, એને કો’ મહારાણો,
સમજે જે આ સત્ય સનાતન, એ જ નર છે શાણો,
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો…
માણ્યા કરો! ના કરશો કોઇ, એના ખાલી વખાણો,
પસ્તાશે જે અવગણશે આ સમય કેરી સરાણો,
અંતરની વાણીમાંથી યે એક જ સૂર સંભરાણો,
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો!
આ ક્ષણને માણવા હું ય નિજ અંતરમાં ગુંડાણો,
ઊર્મિના સાગરમાં આવી હું ય ક્યાંક ખોવાણો,
છો લાગે મને કો’ ક્ષણે, મુજ ઊર-સાગર તો કાણો,
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો…
* * *
હેપ્પી બર્થ ડે, સુરેશદાદા!!
‘સહિયારું સર્જન’ પર દાદાની બર્થ ડે સરપ્રાઇઝ!
* * *
ઊર્મિસાગર
*
હાઇકુ – 2 : ફાગણ અને હોળીનાં રંગો March 3, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ.4 comments
ફાગણ આવ્યો, હોળી સળગી, કેસૂડો જોઇ
પણ સાજન વિણ હોમેલી એક ઇચ્છા- યાદ આવ્યું, કે હું ય
મને ના ભાવ્યો! કાં ન સળગી? કેસૂડો હતી!

લજ્જા ઊભી, રંગો શેં રંગે
શેં કહું તુજને પ્રિયે? મને? રંગાઇ છું હું
‘હા, રંગો મને!’ તો શ્યામ રંગે!
* * *
ઊર્મિસાગર
*
‘સહિયારું સર્જન’ પર ફાગણ અને હોળી વિષય પર કાવ્ય લખવાનું આમંત્રણ!
લે’રખી March 2, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.6 comments
ઓ’લા વાયરાએ
લે’રખીને કાનમાં
એવું તે
શું કહ્યું?
કે
લે’રખી
બની ગઇ
અચાનક
વાવાઝોડું?!
* * *
ઊર્મિસાગર
*
એ પ્રેમ છે! February 14, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો, મુક્તકો/શેર.9 comments
મારા પ્રેમને અર્પણ…સપ્રેમ !

હું શબ્દોથી જો કહું તને કે પ્રેમ છે, એ પ્રેમ છે?
જે ઊર્મિને મઢવાને શબ્દો કમ પડે એ પ્રેમ છે.
સાથનો અહેસાસ દુરતામાં રહે એ પ્રેમ છે.
મિલનની જો પ્યાસ મિલનમાં રહે એ પ્રેમ છે.
દે ભલે ને, દુ:ખ વિરહનું કાળજે નાશૂર બની,
સ્મિત બનીને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.
અપેક્ષાની છાસને અહર્નિશ વલોવ્યા કરો,
ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.
મારું નથી, તારું નથી, અસ્તિત્વ તો છે સાથનું,
સમજણ એવી ક્યાંકથી આવી ચડે એ પ્રેમ છે.
પળે પળે ચણાયેલાં આ ભૂતકાળનાં ખંડહરો,
એકાદ પળ આવી ફરી ચણતર કરે એ પ્રેમ છે.
આવે કદી જો ઓટ મારા ઊર્મિના સાગર મહીં,
તુજ યાદની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.
* * *
‘સહિયારું સર્જન’ પર પ્રેમની કાવ્યાત્મક વ્યાખ્યા લખવાનું આમંત્રણ!
* * *
ઊર્મિસાગર
*
પ્રેમ એટલે- February 14, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો, મુક્તકો/શેર, મુક્તપંચિકા/હાઇકુ.3 comments
પ્રેમનો આ દિવસ મુબારક હો સૌને!
ઇચ્છાઓ ફળે સૌ તમારી તમોને!
એક જ દિવસ તે વળી હોતો હશે પ્રેમનો?
જરૂરત આ દિ’ની છે હર દિન અમોને!
- હાઇકુ -
પ્રેમ એટલે
હર વ્યાખ્યાથી પર-
ઊર્મિનું હેમ!
* * *
પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…
પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…
પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…
પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ…
*
‘સહિયારું સર્જન’ પર પ્રેમની વ્યાખ્યા કરવાનાં વિષય ઉપર લખેલી રચનાઓ…
* * *
ઊર્મિસાગર
*
જ્યારે પુછ્યું તમે, કેમ છો? January 27, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.2 comments
મુજ ઊર્મિએ શમણાંનો માળો બાંધ્યો,
નયનથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?
પાનખરમાં વસંતનું આગમન થયું,
સ્મિતથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?
સંગીતના સૂર બધા છેડાયા એકસાથ,
સ્પર્શથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?
વિરહમાંયે લાગ્યું કંઇક મિલન જેવું,
ઊર્મિથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?
પણ, એજ ઊર્મિએ આજે દમ તોડ્યો,
મુખથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?
* * *
સહિયારું સર્જન પર ‘કેમ છો?’ વિષય પર લખેલી રચના !
* * *
ઊર્મિસાગર
*
તો શું ફર્ક પડ્યો? January 24, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.10 comments
22 જાન્યુ. ના રોજ એક મિત્રનાં માતૃશ્રીનાં ફ્યુનરલમાં જવાનું થયું…
એમની મરણોત્તર વિધિ થતાં જોઇને સહજ રીતે સ્ફૂરી ગયેલી રચના!
એક જિંદગીને આજે મેં ઢળતી જોઇ, તો શું ફર્ક પડ્યો?
એક પળમાં- હતી ન હતી થતી જોઇ, તો શું ફર્ક પડ્યો?
હતું કાષ્ઠ સુકુ, જર્જરિત, ને સળગ્યું, તો શું ફર્ક પડ્યો?
એક કુંપળને ડૂસકાં મેં ભરતી જોઇ, તો શું ફર્ક પડ્યો?
બાંધ્યે જ રાખ્યા આયખુંભર અનેક પિંડો સંબંધોનાં,
એક પિંડની માળને મેં ગળતી જોઇ, તો શું ફર્ક પડ્યો?
જોઇ ઝાંઝવાની ઝાકમઝોળ સૂકી રેતીનાં દરિયામાં,
એક મુઠ્ઠી રેતીને મેં સરતી જોઇ, તો શું ફર્ક પડ્યો?
ઝગમગતા અગણિત તારલાઓ આભની અટારીમાં,
એક ઉલ્કાને આજે મેં ખરતી જોઇ, તો શું ફર્ક પડ્યો?
સતત કરે છે ઊર્મિપાત મુજ અંતરે તવ યાદ, વ્હાલા!
એક ઊર્મિને આજે મેં મરતી જોઇ, તો શું ફર્ક પડ્યો?
* * *
ઊર્મિસાગર
*
મુક્તપંચિકા: કન્હૈયો January 17, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.10 comments

*
કરે તું મને
પગપ્રહાર,
બનાવે જો સુંદર
ફરી, તો બનું
હું પણ કુબ્જા!
*
રાધા રિસાઇ
કુંજગલીમાં,
ને કાનો મથુરામાં,
મનાવે હવે
કોણ? કોને? ક્યાં?
*
હે રણછોડ!
બતાવ મને-
આ જીવનરણેથી
ભાગી હું, કઇ
દ્વારીકે જાઉં?
* * *
ઊર્મિસાગર
*
કહેવાય નહીં -ઊર્મિસાગર January 12, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.3 comments
ઊર્મિનાં ઝરણાંઓ કયારે ઝાંઝવા બને કહેવાય નહીં,
ઝાંઝવાનાં રણમાં કયારે ફૂટે ઊર્મિ-ઝરણ કહેવાય નહીં.
પ્રણયમાં હજીયે મળે છે મને એક એની ઉપેક્ષાનું દર્દ,
એના બારણા પણ ક્યારે એ વાસી દે કંઇ કહેવાય નહીં.
જીવનની આ અશોકવાટિકા ત્રિજટાવિહોણી થઇ છે હવે,
અશોક પણ ક્યારે સીતાને દઇ દે અંગાર, કહેવાય નહીં.
મનસૂબો કર્યો છે સૂર્ય અને ચંદ્રએ, ગ્રહણને ન ગ્રહવાનો,
ટમટમતાં તારલાઓને હવે લાગે ગ્રહણ તો કહેવાય નહીં.
છે આખરે તો બુધ્ધિજીવી વર્ગનું એક પ્રાણી- આ માણસ,
પાનખરમાં પણ કદીક મહેંકાવે વસંતને, કહેવાય નહીં
માનવીનો છે ક્યાં ભરોસો? બનાવે છે એ ખુદનેય અહીં,
ભગવાનને પણ ક્યારે એ બનાવી દે, કંઇ કહેવાય નહીં.
અચરજ છે, ફૂટતાં ક્યાંથી આ ઝરણાં શબ્દોનાં આપમેળે?
ઊર-પાતાળે જ કોક’દી એ સૂકાઇ જાય તો કહેવાય નહીં.
ઇચ્છા તો છે કે સદા ભરતી જ રહે મુજ ઊર્મિના સાગરમાં,
પણ તારી ઊર્મિમાં ય હવે ક્યારે આવે ઓટ, કહેવાય નહીં.
* * *
‘સહિયારું સર્જન’ પર ‘કહેવાય નહીં’ વિષય પર લખેલી રચના…
* * *
ઊર્મિસાગર
*
નિખાલસ સાગર January 8, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.6 comments

હું સાગર- ખારો !
હા, તારા મિલનમાં
થઇ ગ્યો’તો,
થોડો મીઠો
ને મધુરો…
પણ હવે?!
હવે ફરી-
હું મારી
જાત પર
આવી ગયો છું!!
* * *
ઊર્મિસાગર
*
એ શું હતું? January 3, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.6 comments

સોંસરવું ગયું જે હૈયાની આરપાર, એ શું હતું?
મારા મનને વાગ્યું કૈંક ધારદાર, એ શું હતું?
આવી’તી જે, એ તો હતી તારી રખડેલ યાદ,
સંગ લાવી’તી કૈંક વજનદાર, એ શું હતું?
આવ્યું હતું જેવું, એવું જ ગયું એ સપનું- કોરુ,
કોરી આંખોમાં રહ્યો જે નિખાર, એ શું હતું?
ગરજ્યો ખૂબ પણ વરસ્યો નહીં જરાયે એ,
અંગઅંગમાંથી વહ્યો જે નિતાર, એ શું હતું?
ખબર હતી કે નહિં આવશે એ મહેફિલમાં,
ડોકાયું મુજમાં કો’ક વારંવાર, એ શું હતું?
હતી શબ્દોમાં રુક્ષતા ને અવાજે ઉપેક્ષા,
સંભળાયા’તા જે અંતરના તાર, એ શું હતું?
હતું આંખોમાં બંધ, એક શમણું- રિસાયેલ,
તોયે દીસ્યું’તું કૈંક અપરંપાર, એ શું હતું?
આમ તો ખાલી જ હતો મુજ ઊર્મિનો સાગર,
હતો ભરતી ને ઓટનો અણસાર, એ શું હતું?
* * *
ઊર્મિસાગર
*
ભવ્ય ઇમારત December 21, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.7 comments
(Twin towers…WTC, New York)
તારી બેરુખીની ઇંટોથી
ચણાઇને
રોજ વધતી રહે છે-
આપણા અબોલાની
આ ભવ્ય ઇમારત!
અને આ જો તો…!
આજે તો
એ પેલા
વિશાળ ગગનને ય
ભેદી ગઇ છે…!
પરંતુ,
મને ય ખબર છે…
તારા સ્વરની
એકાદ લહેરખી
આવશે ફરી,
ને થાશે એ ફરી,
કકડભૂઉઉઉસ…!!
…ફરી ચણાવા સ્તો!
* * *
ઊર્મિસાગર
*
એક સ્વજન-દંપતિના લગ્નની ૨૫મી વર્ષગાંઠે… (એક મુક્તક) December 13, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.1 comment so far
અમારા એક સ્વજન-દંપતિને… આજે એમનાં લગ્નની ૨૫મી વર્ષગાંઠે… ખૂબ ખૂબ શુભેચ્છાઓ !!

આજની ઉષા લાવી, તમારો ચાંદીનો દિવસ,
મુબારક હો આપને આ ઝગમગતો દિવસ !
એવું રહો સમૃધ્ધ તમારા દામ્પત્યનું રાજ, કે-
આજ ઊગે- ફરી એકવાર, બની સોનાનો દિવસ!
* * *
English translation of the poetry (muktak) above…
Today’s morning have brought you this Silver day,
Congrats to both of you on this precious day,
May the kingdom of your marriage be as rich,
as it may rise again, someday- as a Golden day!
* * *
ઊર્મિસાગર
*
હું ઊર્મિની એક કઠપૂતળી December 12, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.7 comments

હું ઊર્મિની એક કઠપૂતળી, તું મને નચાવતો નટ,
તારા કરમાં હો મુજ દોર ભલે, પણ પડતો મારો જ વટ!
હું ઊર્મિની એક કઠપૂતળી…
શા હાલ થશે મુજ હૈયાનાં કદી આવશે તું જો નિકટ?
જ્યાં નામ જ તારું સાંભળી મારી ઊર્મિ બને નટખટ!
હું ઊર્મિની એક કઠપૂતળી…
જનમ જનમની કોને ખબર? લે, હાથ પકડ ઝટપટ,
ઓ અલગારી પ્રીતની તારે, શેં કરવી નથી ખટપટ?
હું ઊર્મિની એક કઠપૂતળી…
જો, ’રે છે સદા ભરતી અહીંયા, મુજ ઊર્મિસાગર તટ,
આ ઊરસાગરનો નૃપ થઇને ય તું રહેતો કોરોકટ!
હું ઊર્મિની એક કઠપૂતળી…
* * *
ઊર્મિસાગર
*
મુક્તપંચિકા: તાપીમાં આવેલા પુર ઉપર… December 8, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.4 comments
અમારે હવે બોલવું નથી… December 5, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.13 comments
અમે આજ લગી બહુ બોલ્યાં, સજન!
અમારે હવે બોલવું નથી…
લાગણીના પડણોને ચીરી ચીરીને,
આ કાળજું અમારે હવે કોરવું નથી,
અમારે હવે બોલવું નથી…
ઊર્મિ અમારી થઇ ગઇ પાણી પાણી,
એ પાણીને પત્થર પર ઢોળવું નથી,
અમારે હવે બોલવું નથી…
પ્રીતની પળો છો ચાલી અમને છોડી,
અમારે પાછળ એની દોડવું નથી,
અમારે હવે બોલવું નથી…
પ્રેમનું આ દર્દ મારા અંતરનો વૈભવ,
એને વેદનાના ત્રાજવે તોલવું નથી,
અમારે હવે બોલવું નથી…
છોને લુંટાયો મારા ઊરનો ખજાનો,
એની યાદોના તાળાને ખોલવું નથી,
અમારે હવે બોલવું નથી…
તણાઇ રહ્યા છો આ જગનાં વહેણમાં,
પણ ઝાલવું નથી ને કાંઇ છોડવું નથી,
અમારે હવે બોલવું નથી…
એવા ખોવાયા અમે ઊર્મિનાં સાગરે,
કે ખુદને અમારે હવે ખોળવું નથી,
અમારે હવે બોલવું નથી…
* * *
ઊર્મિસાગર
*
આપણે હવે મળવું નથી ગઝલ સાંભળી સાંભળીને આ ગીત જેવું કંઇક મનમાં સ્ફૂરી ગયું હતું…
*
અસ્તિત્વનાં ટુકડા November 29, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કથાકાવ્યો.3 comments
સવારે ઉઠીને મેં અરીસામાં જોયું, તો આ શું?
સામે કેમ હું દેખાતી ન્હોતી?!!
હું વિચારી રહી…!
અરીસામાં ખુદને શોધવા મથી રહી…
અને એજ મથામણમાં પહોંચી ગઇ
અરીસાની પેલે પાર હું…
સંભારણાની બે પાંખો ફૂટી આવી હતી મને,
અને હું ઉડી રહી હતી… (more…)
એક છોકરી November 28, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો, મુક્તકો/શેર.12 comments
મુજમાં ક્યાંક ‘રે છે,
ઊર્મિ નામની એક છોકરી,
જુઓ, કેટલી ગડબડ
કરતી ’રે છે એ છોકરી !
ઉદાસ થઇ જાય છે
ક્યારેક એ અકારણ જ,
તો ક્યારેક કારણે ય ખુશ
થતી નથી એ છોકરી.
પ્રેમ નામની એક ચીજને
શોધ્યા કરે છે સતત,
ખુદ પ્રેમની પુતળી છે,
અણજાણ છે એ છોકરી.
પ્યાસ છે તિવ્ર એને,
જે વરસાદની યુગોથી,
પોતે જ એની ઘટા બનીને
બેઠી છે એ છોકરી,
સર્જન કર્યું છે ખુદ જેણે
ઊર્મિના આ સાગરનું,
કિનારે ઊભી ભીંજાવાની
રાહ જુએ છે એ છોકરી.
* * *
બાળકી બનીને ફુલાય છે એક છોકરી,
મુગ્ધા બની સંવેદાય છે એક છોકરી,
એમ તો યુવા મટીને પ્રૌઢા ય થાય છે,
છતાં અકબંધ રહે છે અંદર એક છોકરી.
* * *
‘એક છોકરી’ વિશે સહિયારું સર્જન પર લખેલી રચનાઓ…
* * *
ઊર્મિસાગર
*
હાઇકુ-૧ November 22, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.6 comments
મને જ ડંખી,
મારી અપેક્ષા- બની
તારી ઉપેક્ષા!
*
જે નડ્યા મને
સદા, એજ ગ્રહોને
આજે હું નડી!
*
મારા દુ:ખનું
કારણ- હું કરતી
સુખની ખોજ !
*
મારી સંધ્યાની
આગોશમાં, ઓગળ્યો
તારો સૂરજ!
* * *
ઊર્મિસાગર
*









