કારોબાર રાખ્યો તેં - મનોજ ખંડેરિયા June 4, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, ગઝલ.9 comments
(મને અદ્ધર રાખ્યો તેં….. Lake George, NY- 8/23/’05)
હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.
એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.
કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.
આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.
શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.
* * *
*
અરણ્ય-રુદન -પ્રીતિ શાહ/સેનગુપ્તા May 29, 2007
Posted by ઊર્મિસાગર in અછાંદસ, ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.7 comments
પર્વત પર ચડીને
શિખરોને ધક્કા મારી મારીને
ગબડાવી દેવાં છે,
દરિયાને ખાલી કરીને રણમાં
વહાવી દેવા છે,
હવાના મહેલોને
મુઠ્ઠીએ મુઠ્ઠીએ
તોડી નાખવા છે,
રાત-દિવસના પડછાયાઓને
પૃથ્વીના પેટાળમાં
દાબી દેવા છે.
અને પછી, મા,
તમારા ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.
* * *
*
સાંભરણ -માધવ રામાનુજ May 28, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, ગીત.3 comments

રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો,
વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો.
આંખોમાં સાંભરણ ખૂંચશે કણાની જેમ
પાંપણનાં દ્વાર કેમ દેશું?
એક પછી એક પાન ખરશે કદમ્બનાં
ને વેળામાં વીખરાતાં રેશું.
છલકાતું વહેણ કદી હોલાતું લાગે તો વેળુમાં વીરડા ગળાવજો.
આઠમની ધોધમાર મધરાતે એક વાર
પાનીએ અડીને પૂર ગળશે,
પાણીની ભીંતો બંધાઈ જશે
ગોકુળને તે દી’ ગોવાળ એક મળશે.
લીલુડાં વાંસવન વાઢશો ન કોઈ, મોરપીંછિયુંને ભેળી કરાવજો.
પૂનમની એકાદી રાતના ઉજાગરાને
સાટે જીવતર લખી જાશું,
અમથુંયે સાંભરશું એકાદા વેણમાં
તો હૈયું વીંધાવીને ગાશું.
ભવભવની પ્રીતિનું બંધારણ ભેટે તો વનરાવન વાટે વળાવજો!
લીલુડાં વાંસવન વાઢશો ન કોઈ, મોરપીંછિયુંને ભેળી કરાવજો.
* * *
*
વાંચો: ‘ગુજરાતી સારસ્તવ પરિચય’ની પ્રથમ વર્ષગાંઠ…
*
સ્નેહીનાં સોણલા -ન્હાનાલાલ કવિ May 28, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, ગીત.2 comments
સ્નેહીનાં સોણલા આવે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે :
હૈયાનાં હેત તો સતાવે, સાહેલડી !
આશાની વેલ મારી ઊગી ઢળે.
ચડ્યું પૂર મધરાતનું, ગાજે ભર સૂનકાર :
ચમકે ચપળા આભમાં,
એવા એવા છે પ્રિયના ચમકાર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.
ઝરમર ઝરમર મેહુલો વરસે આછે નીર :
ઊને આંસુ નયનો ભીંજે,
એવાં એવાં ભીંજે મારા ચીર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.
અવની ભરી, વન વન ભરી, ઘુમે ગાઢ અંધાર,
ઝબકે મહીં ધૂણી જોગીની,
એવા એવા છે પ્રિયના ઝબકાર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.
ઝીણી જ્યોતે ઝળહળે પ્રિયનો દીપક લગીર :
પડે પતંગ, મહીં જલે,
એવી એવી આત્માની અધીર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.
ખૂંચે ફૂલની પાંદડી, ખૂંચે ચંદ્રની ધાર :
સ્નેહીનાં સંભારણા
એવાં એવાં ખૂંચે દિલ મોઝાર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.
* * *
*
વાંચો: ‘ગુજરાતી સારસ્તવ પરિચય’ની પ્રથમ વર્ષગાંઠ…
*
શું વળે? -શિવજી રૂખડા May 23, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, ગઝલ.4 comments

વાત બીજે વાળવાથી શું વળે?
ને હકીકત ખાળવાથી શું વળે?
આપણે તો આપણે, બસ આપણે,
જાત બીંબે ઢાળવાથી શું વળે?
ફક્ત કિરણ એક ઝીલી ના શક્યા,
સૂર્ય આખો ચાળવાથી શું વળે?
દોસ્ત, ઇચ્છાવન બહુ ઘેઘૂર છે,
ડાળખી ફંગોળવાથી શું વળે?
આપણો વિસ્તાર છે ફળિયા લગી,
ગામને ઢંઢોળવાથી શું વળે?
આંખ છે ખુલ્લી અને ઝોલે ચડ્યા,
દીપ ઝળહળ બાળવાથી શું વળે?
* * *
નહીં કરું -રઈશ મનીઆર May 21, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, ગઝલ.7 comments
સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.
આખા ય એના રૂપને અંકિત નહીં કરું,
કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું.
આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર,
એકે ય ફૂલ હું કદી સંચિત નહીં કરું.
પામી ગયો, મજા તો બસ ઉથાપવામાં છે,
તેથી હું જાતને કદી સ્થાપિત નહીં કરું.
બીજું કશું ય કરવા સમું પ્રાપ્ત થાય તો,
સાચું કહું છું, હુંય પછી પ્રીત નહીં કરું.
રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.
* * *
આજકાલ હું શ્રી રઈશ મનીઆરની પ્રતિનિધિ ગઝલો એમનાં પુસ્તક ‘સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી’ માંથી માણી રહી છું…(આભાર, વિવેક!) એમાંની જ એક આ ગઝલ અહીં પીરસી છે. હજી સુધી જેટલી પણ ગઝલો મેં વાંચી અને માણી છે, મને તો એ બધી જ ગઝલો એક એકથી ચડિયાતી લાગી… વાંચીને મોંમાથી અનાયાસે જ ‘WOW!!’ નીકળી જાય એવી આ ગઝલો વાંચી ત્યારે મને ખરેખર સમજાયું કે આપણા મિત્ર વિવેક એમનાં આટલા બધા વખાણ કેમ કરે છે!!! :-)
*
નહીં જીરવી શકો -‘આદિલ’ મન્સૂરી (એમના સંદેશ સાથે) May 19, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.3 comments
ગઈ કાલે શ્રી આદિલજીનાં જન્મદિવસ નિમિત્તે ‘સહિયારું સર્જન’ પર એમનાં જ અમર શબ્દો ‘મળે ન મળે’ પરથી શ્રી આદિલજીને માટે કાવ્ય-સર્જનનાં આમંત્રણની પોસ્ટ મૂકવામાં આવી હતી… જેમાં ઘણાં મિત્રોએ ભાગ લીધો હતો અને એમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી… એમનાં જવાબરૂપે આપણા આદરણીય શ્રી આદિલજીએ જેની આશા પણ રાખી નહોતી, એવો નીચેનો હૃદયસ્પર્શી સંદેશો અમને ઈ-મેલમાં મોકલાવ્યો હતો… મને એમણે કરેલું ‘આદરણીય’ સંબોધનથી તો હું ઘણી મુંઝાઇ ગઇ… ઘણું ખટક્યું… ઘણું અજીબ લાગ્યું… શરમ જેવી પણ આવી… બસ, મનમાં એક વંટોળ જગાડી ગયું!! ગુજરાતી સાહિત્યની આટલી ઊંચાઇ પર પહોંચેલી વ્યક્તિને જ્યારે કોઇ એક અતિ સામાન્ય વ્યક્તિ પ્રણામ કરે અને જવાબમાં એ ‘આદરણીય’ જેવું સંબોધન કરે ત્યારે સ્વાભાવિક જ છે કે ઘણું અજીબ તો લાગે જ… પરંતુ એની સાથે જ એટલું વ્યતિત તો જરૂર થાય છે કે એ વ્યક્તિ માત્ર એમની કલમથી જ મહાન નથી પરંતુ મનથી પણ એટલી જ મહાન છે જે નાનામાં નાની વ્યક્તિનો પણ આદર કરી શકે છે!! આદરણીય શ્રી આદિલજીને ફરી એકવાર સાદર પ્રણામ… અને નીચેનો સંદેશો અને એમની એક નવી ગઝલનાં શેર મોકલવા બદલ એમનો ઘણો ઘણો આભાર!
——
આદરણીય ઊર્મિસાગરજી,
આપે, સુરેશભાઇ જાની અને સર્વ શૂભેચ્છકો, મિત્રો સ્વજનોએ લાગણીભર્યા શબ્દો, શિઘ્ર કાવ્યરચનાઓની અમી વર્ષા દ્વારા નેટ ઉપર જે ગુલાલ ઉડાવી ઉજવણી કરી તે બદલ હૃદયપૂર્વક સર્વનો ઋણી છું.
ખૂબ ખૂબ આભાર સાથે એક તાજા ગઝલના થોડાક શેર….
થાકી જશો શરીરેની સાથે ફરી ફરી
હોવાપણાનો ભાર નહીં જીરવી શકો
મિત્રો ને શત્રુઓથી બચી નીકળો પછી
પડછાયાનો પ્રહાર નહીં જીરવી શકો
મૃત્યુનો ઘા કદાચ તમે જાવ જીરવી
જીવનનો બેઠ્ઠો માર નહીં જીરવી શકો
મૂકીએ ગઝલના ચોકે બનાવીને બાવલું
માથે સતત હગાર નહીં જીરવી શકો
- ‘આદિલ’ મન્સૂરી
*
ઈ-મેલમાં -આદિલ મન્સૂરી May 18, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.5 comments
આદરણીય શ્રી આદિલજીને આજે એમના 71માં જન્મદિવસે હાર્દિક વધાઇ અને મંગલ શુભકામનાઓ!!

કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં,
દુનિયાભરના વાયરસ એ મોકલે ઈ-મેલમાં.
ખાનગી વાતો બધી કરતા રહે એ ફોરવર્ડ,
બેવફાઈને નવો રસ્તો મળે ઈ-મેલમાં.
હોટ મેલે મળશે અથવા મળશે યાહૂ ડોટ પર,
મોટા ભાગે બે જ સરનામા હશે ઈ-મેલમાં.
જોતજોતામાં પડછાયા દિગંબર થૈ જતા,
ક્લિક કરો ને આવરણ સૌ ઊતરે ઈ-મેલમાં.
રાતદિવસ અક્ષરો ઘૂંટાય છે કી બોર્ડ પર,
સ્પર્શ એના ટેરવાંઓનો હશે ઈ-મેલમાં.
હા વતનની ધૂળ ખાવા જાઉં પાછો દોસ્તો,
પ્લેનની જ્યારે ટિકિટ સસ્તી મળે ઈ-મેલમાં.
જોતજોતામાં ગઝલ ઈ-મેલની આવી ચડી,
બેઠા બેઠા મોકલું તેને બધે ઈ-મેલમાં.
શું કરી શકીએ પછી આદિલ જો સરવર ડાઉન હો?
કાગળો હાથે લખ્યા ક્યાં જૈ શકે ઈ-મેલમાં?!
* * *
*
શ્રી આદિલજીના જન્મદિવસ નિમિત્તે સહિયારું સર્જન પર ‘મળે ન મળે’ પરથી કાવ્ય લખવા આમંત્રણ!!
*
રસ્તા સુધી આવો -આદિલ મન્સૂરી May 17, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.2 comments

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો,
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો.
જમાનો એને મુર્છા કે મરણ માને ભલે માને,
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો.
તમારા નામના સાગરમાં ડૂબી તળીયે જઈ બેઠો,
હું પરપોટો બની ઉપસું તમે કાંઠા સુધી આવો.
જરૂરી લાગશે તો તે પછી ચર્ચા ય માંડીશું,
હું કાશી ઘાટ પર આવું તને કાબા સુધી આવો.
હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ,
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો.
ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે ‘આદિલ’,
રદીફ ને કાફિયા ઓળંગીને મકતા સુધી આવો.
* * *
*
અલબેલો અંધાર હતો -વેણીભાઇ પુરોહિત May 15, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.2 comments
એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઇ પાયલનો ઝંકાર હતો.
જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી,
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો.
માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઇ હતી,
કુદરતની અદા, કુદરતની અદબ, કુદરતનો કારોભાર હતો.
ઊર્મિનું કબુતર બેઠું’તું નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવનસ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો.
* * *
*
પારકો ચહેરો - સૈફ પાલનપુરી May 9, 2007
Posted by ઊર્મિસાગર in અછાંદસ, ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.1 comment so far

મારી સામે એણે પણ
એકીટશે જોયા કર્યું
લોક કરડી આંખથી જોતા રહ્યા
કેવો પાગલ હું હતો
વર્ષો પહેલાંનો પરિચિત માર્ગ એ
વર્ષો પહેલાંનું પરિચિત એ મકાન
મારી પાગલતા એ બહુ જૂની હતી. (more…)
મને ખૂબ જ શ્રદ્ધા બેસી ગઈ છે. -સૈફ પાલનપુરી May 8, 2007
Posted by ઊર્મિસાગર in અછાંદસ, ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.1 comment so far
કાલ હું તારી ગલીમાં ભૂલથી આવી ચઢ્યો.
વર્ષો પહેલાંનો પરિચિત માર્ગ એ
વર્ષો પહેલાંનું પરિચિત એ મકાન -
મારા પગ થંભી ગયા -
તું નજર સામે હતી - (more…)
મજબૂર -પ્રફુલ્લ દવે May 3, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.4 comments
(બાજુમાં જ અંધકાર છે… Lake George, NY - August 22, 2005)
કોઈ મારા પર સવાર છે, દોડી રહ્યો છું હું,
ચાબૂક છે, પ્રહાર છે, દોડી રહ્યો છું હું.
સીમા બીજાની છે, અને દિશા બીજાની છે,
હર ઈચ્છા નિરાધાર છે, દોડી રહ્યો છું હું.
પાંખો નથી, પગોથી આ પથ કાપવો કઠિન,
લાંબો અતિ વિસ્તાર છે, દોડી રહ્યો છું હું.
આંખો પરે છે ડાબલાં, સીધો પ્રકાશ છે,
બાજુમાં અંધકાર છે, દોડી રહ્યો છું હું.
અંદરથી કોઈ ઊંચકે માથું સતત ભલે,
આ ક્ષણ અતિ લાચાર છે, દોડી રહ્યો છું હું.
* * *
*
નથી મળતું -બેફામ May 2, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, મુક્તકો/શેર.4 comments
(Cherry Blossom… April 28, 2007)
સિતારા હોય છે એને ગ્રહણ નથી મળતું,
ફૂલોને બાગ મળી જાય, રણ નથી મળતું,
આ એક સુખ કુદરતના ન્યાયમાં જોયું,
ગજા બહારનું દુ:ખ ક્યાંય પણ નથી મળતું.
* * *
*
ગૌરવ-કથા ગુજરાતની -’શૂન્ય’ પાલનપુરી May 1, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.13 comments
આજનો ગુજરાત દિન સૌ મિત્રોને ખૂબ ખૂબ મુબારક… આજે ગુજરાત વિશેની આગળ એકવાર મુકેલી ગઝલની પોસ્ટને જ હું ફરીથી મૂકું છું… જે મારી ઘણી પ્રિય ગઝલ છે. મારામાં તો હંમેશા આ ગઝલને વાંચતા કે ગણગણતા એક અનોખી જ ગુજરાતી-ખુમારી આવી જાય છે… જુઓ તમે પણ ટ્રાય કરી જુઓ!
ફરીથી દરેક ગુજરાતી મિત્રોને આપણું આ અમૂલ્ય ગુજરાતીપણું ખૂબ ખૂબ મુબારક!

વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.
‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,
દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની? (more…)
એક પ્રશ્નપત્ર -ઉદયન ઠક્કર April 27, 2007
Posted by ઊર્મિસાગર in અછાંદસ, ઊર્મિની પસંદ.4 comments
1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.
2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો, કેમ, ખરું ને…
‘હા’ કે ‘ના’માં જવાબ આપો. (more…)
ગ્રામમાતા –કલાપી April 22, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.6 comments

(શાર્દૂલવિક્રીડિત)
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !
(માલિની)
મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે;
કમલવત્ ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !
(અનુષ્ટુપ)
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે ! (more…)
યુનિકોડ ઉદ્યોગ (વર્ણસંકર અછાંદસ ગીત) -પંચમ શુક્લ April 21, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.7 comments
યુનિકોડની સુવિધાને લીધે રોજ રોજ વધતા જતા ગુજરાતી નેટ જગતનાં બંધનમુક્ત બ્લોગોને જોઇ મિત્ર પંચમ શુક્લે આ ગીત લખી મોકલ્યું છે… શબ્દોની સુંદર અભિવ્યક્તિરૂપી આ ગીત આપણને વિચારતા કરી દે એવું છે, જે મને તો ઘણું જ ગમ્યું… આશા છે કે આપ સૌ પણ એને માણી શકો અને જાણી શકો. આભાર પંચમભાઇ!

અગણિત જણ આરાધે અનહદ યુનિકોડ ઉદ્યોગ.
બિલાડીના ટોપ સમાં,
અહીં તહીં લ્યો ઉગી રહ્યાં છે
ખાદ્ય-અખાદ્ય બ્લોગ. * અગણિત જણ આરાધે…
છપ્પનિયાનાં હડસેલાઓ ખાઈ ખમીને,
ઘઉંની સાથે ધૂળનાં ઢેફા ભરડી ભરડી,
બે હાથે આરોગે શબ્દો- કવિ, લેખક, સહુ લોગ. * અગણિત જણ આરાધે… (more…)
અંધેરી નગરી -દલપતરામ April 20, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.6 comments
પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.
ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.” (more…)
ફકીરાઈમાં ઊભા -મનોજ ખંડેરિયા April 19, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.3 comments

અવકાશ જેમ આખી અખિલાઈમાં ઊભા
ઝળહળતી આસમાની અમીરાઈમાં ઊભા.
જે બાજુ જોઉં તે તરફ પ્રતિબિંબ તરવરે,
ચોમેર ગોઠવેલી અરીસાઈમાં ઊભા.
સમતોલ જાત રાખતાં પણ હાથ ના રહે,
લ્હેરાતી સાંજની આ સમીરાઈમાં ઊભા.
ક્યારે ઇશારે કોળે ને પગલું ઉપાડીએ ?
અધ્ધર પગે અમે તો અધીરાઈમાં ઊભા.
ગૂંથાય ઝીણા તાર તરન્નુમનાં શ્વાસમાં,
વસ્ત્રો સમી વણાતી કબીરાઈમાં ઊભા.
આ ખાખી ખાલીપાની ખલક લઈ હરીભરી-
કૈં ફાટફાટ થાતી ફકીરાઈમાં ઊભા.
* * *
*
પરિચય થવા લાગે -ગની દહીંવાલા April 16, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.4 comments

બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.
અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.
રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,
અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.
હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?
ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !
પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.
નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?
મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.
‘ગની’, નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,
કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.
* * *
તમે ટહુકયા ને -ભીખુભાઈ કપોડિયા April 12, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.7 comments
તમે ટહુકયા ને આભ મને ઓછું પડયું…
ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે,
આખું ગગન મારું ઝોલે ચડયું…
લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ
જેમ ઊજળી કો’ સારસની જોડ,
પાંખનો હેલાર લઈ પાંપણિયે ઊર મારું
વાંસળીની જોડ માંડે હોડ
તરસ્યાં હરણાંની તમે પરખી આરત
ગીત છોડયું કે કુંજમાંથી ઝરણું દડ્યું…
મોરનાં તે પીછાંમાં વગડાની આંખ લઈ
નીરખું નીરખું ન કોઈ ક્યાંય,
એવી વનરાઈ હવે ફાલી
સોનલ ક્યાંક તડકાની લ્હાય નહીં ઝાંય
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાંય
વન આખું લીલેરા બોલે મઢ્યું…
* * *
ખુદાઈનો રંગ છે -હરીન્દ્ર દવે April 8, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.5 comments

આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે,
ઝંખ્યો છે જેને ખૂબ - તબાહીનો રંગ છે.
ઘેરો થયો તો ઓર મુલાયમ બની ગયો,
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે.
છેલ્લી ક્ષણોમાં આંખની બદલાતી ઝાંયમાં,
જોઈ શકો તો જોજો કે સાકીનો રંગ છે.
બદલ્યા કરે છે રંગ ગગન નિત નવા નવા,
આદિથી એનો એ જ આ ધરતીનો રંગ છે.
કોઈ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો,
કહેતું’તું કોક એમાં ખુદાઈનો રંગ છે.
* * *
સગપણ ક્યાં છે? -પ્રબોધ જોશી April 4, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.5 comments
અમે મોર હોઈએ તો -
અમારાં ખરેલાં આંસુ વીણજો.
વાદળ સમા તરતા પ્રસંગોને
અમે બોલાવશું -
તમે વરસજો.
આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો.
* * *
આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે -ખલીલ ધનતેજવી April 1, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.3 comments
આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,
મેઘ વરસી પડે તો ફલક ઊઘડે.
ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,
પોપચાં થરથરે ને પલક ઊઘડે.
રોજ લાગે કોઈ યાદ કરતું હશે,
રોજ છાતીમાં ઝીણી સલક ઊઘડે.
પારકા દેશમાં તારી યાદ આવતાં,
ઘર તો ઘર, આખેઆખો મલક ઊઘડે.
છો ખલીલ! આજ મન થોડું હળવું થતું,
આંખમાં છોને ભીની ઝલક ઊઘડે!
* * *
અલ્લા બેલી –શૂન્ય પાલનપુરી March 30, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.8 comments

સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી,
ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’! હિંમત બોલી ‘અલ્લા બેલી’!
નાવ ઊતારુ હો કે માલમ, સૌને માથે ભમતું જોખમ,
કાંઠા પણ દ્રોહી થઇ બેઠા, મઝધારે પણ માઝા મેલી.
એવાં છે પણ પ્રેમી અધુરા, વાતોમાં જે સુરાપુરા,
શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી.
કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!
આપખુદીનું શાસન ડોલ્યું, પાખંડીનું આસન ડોલ્યું,
“હાશ” કહી ઈશ્વર હરખાયો, ‘શૂન્યે’ જ્યાં લીલા સંકેલી.
* * *
*
તારી ને મારી જ ચર્ચા -ખલીલ ધનતેજવી March 20, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.12 comments

તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી!
આપણે એકાંતમાં ક્યારેય ભેગા ક્યાં થયાં ?
તોય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી!
આપણે એક સાથે શ્વાસોશ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી!
કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું ?
આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી!
આપણે તો પ્રેમનાં અરમાન પુરવાના હતા,
કાં અજુગતી કોઈ ઈચ્છા આપણી વચ્ચે હતી!
આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,
ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી!
યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી!
એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી!
* * *
ઘાવ હજી પણ તાજા છે -શોભિત દેસાઈ March 17, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.8 comments
શબ્દો જેવા કાગળ પરના ઘાવ હજી પણ તાજા છે,
પાણી જેવા ઝાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.
વાત પ્રસંગોની ને સામે ચોમાસું ભરપૂર હતું,
‘કોઈ નથી’ની અટકળ પરના ઘાવ હજી પણ તાજા છે.
નથી નીકળતા લીલા શ્વાસો એક અજાણ્યા ચહેરાના,
આંસુ જેવા મૃગજળ પરના ઘાવ હજી પણ તાજા છે
હતી ઉદાસી આંખોમાં પણ ચહેરે જુદો ભાવ હતો,
કોઈ તૂટેલી સાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.
* * *
મુક્તક: કંકોતરી -અમૃત ‘ઘાયલ’ March 13, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, મુક્તકો/શેર.4 comments

કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે,
એને પસંદ છો હું નથી, શાયરી તો છે,
વર્ષો પછી યે બેસતા વરસે એ દોસ્તો,
બીજું તો નથી એમની કંકોતરી તો છે!

મનહર ઉધાસના કંઠે સ્વરબદ્ધ થયેલ આસીમ રાંદેરીની કંકોતરી મારી ખૂબ જ પ્રિય છે…
આજે તો સાંભળતા સાંભળતા આ મુક્તકની સાથે લખી જ દીધી!

કંકોતરી -આસીમ રાંદેરી March 13, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.8 comments


મારી એ કલ્પના હતી કે વિસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.
ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…
સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે.




