jump to navigation

સ્નેહીનાં સોણલા -ન્હાનાલાલ કવિ May 28, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, ગીત.
trackback

rain_in_farm.jpg 

સ્નેહીનાં સોણલા આવે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે :
હૈયાનાં હેત તો સતાવે, સાહેલડી !
આશાની વેલ મારી ઊગી ઢળે.

ચડ્યું પૂર મધરાતનું, ગાજે ભર સૂનકાર :
ચમકે ચપળા આભમાં,
એવા એવા છે પ્રિયના ચમકાર :            રે સાહેલડી ! 
ઉરના એકાન્ત મારા ભડકે બળે.

ઝરમર ઝરમર મેહુલો વરસે આછે નીર :
ઊને આંસુ નયનો ભીંજે,
એવાં એવાં ભીંજે મારા ચીર :               રે સાહેલડી ! 
ઉરના એકાન્ત મારા ભડકે બળે.

અવની ભરી, વન વન ભરી, ઘુમે ગાઢ અંધાર,
ઝબકે મહીં ધૂણી જોગીની,
એવા એવા છે પ્રિયના ઝબકાર :           રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.

ઝીણી જ્યોતે ઝળહળે પ્રિયનો દીપક લગીર :
પડે પતંગ, મહીં જલે,
એવી એવી આત્માની અધીર :             રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે. 

ખૂંચે ફૂલની પાંદડી, ખૂંચે ચંદ્રની ધાર :
સ્નેહીનાં સંભારણા
એવાં એવાં ખૂંચે દિલ મોઝાર :             રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.

* * *

કવિ પરીચય

*

વાંચો:  ‘ગુજરાતી સારસ્તવ પરિચય’ની પ્રથમ વર્ષગાંઠ…

*

Comments»

1. ન્હાનાલાલ કવિ, Nhanalal Kavi « ગુજરાતી સારસ્વત પરિચય - May 28, 2007

[...] “સ્નેહીનાં સોણલા આવે સાહેલડી ! ઉરના એકા…“ [...]

2. manvant - October 4, 2007

ઇન્દુકુમાર,ન્હાનાન્હાના રાસ,જયા- જયંત વગેરે
કૉલેજકાળમાં વાંચેલાં તેની યાદ તાજી થઈ.