શું વળે? -શિવજી રૂખડા May 23, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, ગઝલ.4 comments

વાત બીજે વાળવાથી શું વળે?
ને હકીકત ખાળવાથી શું વળે?
આપણે તો આપણે, બસ આપણે,
જાત બીંબે ઢાળવાથી શું વળે?
ફક્ત કિરણ એક ઝીલી ના શક્યા,
સૂર્ય આખો ચાળવાથી શું વળે?
દોસ્ત, ઇચ્છાવન બહુ ઘેઘૂર છે,
ડાળખી ફંગોળવાથી શું વળે?
આપણો વિસ્તાર છે ફળિયા લગી,
ગામને ઢંઢોળવાથી શું વળે?
આંખ છે ખુલ્લી અને ઝોલે ચડ્યા,
દીપ ઝળહળ બાળવાથી શું વળે?
* * *
