નહીં કરું -રઈશ મનીઆર May 21, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, ગઝલ.7 comments
સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.
આખા ય એના રૂપને અંકિત નહીં કરું,
કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું.
આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર,
એકે ય ફૂલ હું કદી સંચિત નહીં કરું.
પામી ગયો, મજા તો બસ ઉથાપવામાં છે,
તેથી હું જાતને કદી સ્થાપિત નહીં કરું.
બીજું કશું ય કરવા સમું પ્રાપ્ત થાય તો,
સાચું કહું છું, હુંય પછી પ્રીત નહીં કરું.
રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.
* * *
આજકાલ હું શ્રી રઈશ મનીઆરની પ્રતિનિધિ ગઝલો એમનાં પુસ્તક ‘સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી’ માંથી માણી રહી છું…(આભાર, વિવેક!) એમાંની જ એક આ ગઝલ અહીં પીરસી છે. હજી સુધી જેટલી પણ ગઝલો મેં વાંચી અને માણી છે, મને તો એ બધી જ ગઝલો એક એકથી ચડિયાતી લાગી… વાંચીને મોંમાથી અનાયાસે જ ‘WOW!!’ નીકળી જાય એવી આ ગઝલો વાંચી ત્યારે મને ખરેખર સમજાયું કે આપણા મિત્ર વિવેક એમનાં આટલા બધા વખાણ કેમ કરે છે!!! :-)
*
