પારકો ચહેરો – સૈફ પાલનપુરી May 9, 2007
Posted by ઊર્મિ in અછાંદસ, ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.trackback

મારી સામે એણે પણ
એકીટશે જોયા કર્યું
લોક કરડી આંખથી જોતા રહ્યા
કેવો પાગલ હું હતો
વર્ષો પહેલાંનો પરિચિત માર્ગ એ
વર્ષો પહેલાંનું પરિચિત એ મકાન
મારી પાગલતા એ બહુ જૂની હતી.
ને બધા લોકો હસે એની પ્રથમ
મેં જ હસવાનું શરૂ કરી દીધું તરત -
સૌ પ્રથમ મારો જ એ પર હક હતો
એ પછી કૌતુક થયું-
મારી સામે જે મધુર ચહેરો હતો
પારકો ચહેરો હતો.
શક્યતા નો’તી – છતાં – એ આંખમાં
રોષ બદલે આંસુઓ નજરે પડ્યા.
હું હસ્યો ને એ રડ્યાં -
લાગણી બન્નેની સરખી થઈ ગઈ
થઈ ગઈ બસ ઊર્મિઓની ઓળખાણ
મારી જેમ એ પણ હતાં કોઈ પરિચિત માર્ગ પર
મારી જેમ એ પણ હતાં કોઈ પુરાણી યાદમાં.
* * *

કોણ જાણે કેમ રાજક્પુરની ફીલ્મ ‘આહ’ યાદ આવી ગઇ.
‘એની પ્રથમ’ ની જગ્યાએ એ પુર્વે વધારે જચશે.