jump to navigation

અરે, કોઇ તો… -જગદીશ જોષી March 8, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

હું એકાગ્ર ચિત્તે વાંચું છું.

સામેની બારીનો રેડિયો
મારા કાનમાં કંઇક ગર્જે છે.
દીવાલ પરનું ઇલેક્ટ્રિક ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.ટ્યૂબલાઇટનું સ્ટાર્ટર
તમરાંનું ટોળું થૈ કણસ્યા કરે છે.
ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી
ડચકાં ભરતી ભરતી રણકે છે.
ઘરનો નોકર દૂધવાળા જોડે
અફવાઓની આપલે કરે છે.
પડોશણનો અપરિચિત ચહેરો
કૂથલીના ડાયલ ફેરવે છે.
રસ્તા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.

ઓચિંતો ફ્યૂઝ જતાં, લાઇટ
અંધારું થઇને પથરાઇ જાય છે.
મારો આખો માળો અંધારોધબ્…

નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે:
‘કાલિદાસ! તુકારમ! અલ્યા નરસિંહ! અરે, કોઇ તો
ઇલેક્ટ્રિશિયનને બોલાવો!’
બાજુવાળાં મીરાંબહેન સ્વસ્થ અવાજે કહે છે:
‘અરે, ગિરિધર! સાંભળે છે કે, -
પહેલાં મીણબત્તી તો લાવ…’

અને -
મારી ચાલીમાં
મારા માળામાં
મારા ઘરમાં
મારા દેશમાં
મીણબત્તીની શોધાશોધ ચાલે છે…

* * *

Comments»

1. જગદીશ જોષી, Jagdish Joshi « ગુજરાતી સારસ્વત પરિચય - March 8, 2007

[...] રચનાઓ : - 1 - : - 2 - : - 3 - : - 4 - : - 5 - : - 6 [...]

2. હરીશ દવે - March 10, 2007

જગદીશ જોષીની આ કાવ્યકૃતિને હું તેમની શ્રેષ્ઠતમ રચનાઓમાં ખાસ સ્થાને મૂકું છું. અદભૂત કૃતિ છે! કાલિદાસ, નરસિંહ અને મીરાબાઈને લાવીને કવિ વાચકને સ્તબ્ધ કરી દે છે. અરે! રહો! ખરો આઘાત તો હવે લાગવાનો છે …..

” …. મારા દેશમાં મીણબત્તીની શોધાશોધ ચાલે છે!”

હદ કરી નાખી છે! . . . . . . . હરીશ દવે અમદાવાદ