jump to navigation

અલ્લા બેલી –શૂન્ય પાલનપુરી March 30, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
8 comments

bundle.jpg

સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી,
ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’!  હિંમત બોલી ‘અલ્લા બેલી’!

નાવ ઊતારુ હો કે માલમ, સૌને માથે ભમતું જોખમ,
કાંઠા પણ દ્રોહી થઇ બેઠા, મઝધારે પણ માઝા મેલી.

એવાં છે પણ પ્રેમી અધુરા, વાતોમાં જે સુરાપુરા,
શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી.

કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!

આપખુદીનું શાસન ડોલ્યું, પાખંડીનું આસન ડોલ્યું,
“હાશ” કહી ઈશ્વર હરખાયો, ‘શૂન્યે’ જ્યાં લીલા સંકેલી.

* * *

કવિ પરીચય

*

આજ્ઞાંકિત મન March 24, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
9 comments

far_away.jpg  

ઘણું સમજાવ્યું મેં
મારા રક્તને,
પણ એણે રંગ
ન જ બદલ્યો !

ઘણું સમજાવ્યું મેં
મારા અંતરને,
પણ એણે સંગ
ન જ બદલ્યો !

જરા જો સમજાવ્યું મેં
મારા મનને,
તો એ બિચારું-
તરત જ સમજી ગયું!!

* * * 

ઊર્મિસાગર

*

ઈચ્છા-મુક્તિ? March 22, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
15 comments

mukti_laminated.jpg 

એક દિવસ
એનાથી મુક્ત
થવાની ઈચ્છાએ,
એક ઈચ્છાને મેં
લેમિનેટ કરી દીધી;
પણ રખેને
એ છટકીને
ક્યાંક બહાર
નીકળી જાય તો?!
એ બીકે હવે
હું એને
અહર્નિશ,
નિહાળ્યાં જ કરું છું…

* * * 

ઊર્મિસાગર

*

તારી ને મારી જ ચર્ચા -ખલીલ ધનતેજવી March 20, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
12 comments

lovebirds.jpg

તારી ને મારી ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી!

આપણે એકાંતમાં ક્યારેય ભેગા ક્યાં થયાં ?
તોય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી!

આપણે એક સાથે શ્વાસોશ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી!

કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું ?
આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી!

આપણે તો પ્રેમનાં અરમાન પુરવાના હતા,
કાં અજુગતી કોઈ ઈચ્છા આપણી વચ્ચે હતી!

આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,
ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી!

યાદ કર પુણ્યશાળી પાપની એકેક ક્ષણ
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી!

એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે મંથરા આપણી વચ્ચે હતી!

* * *

ઘાવ હજી પણ તાજા છે -શોભિત દેસાઈ March 17, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
8 comments

શબ્દો જેવા કાગળ પરના ઘાવ હજી પણ તાજા છે,
પાણી જેવા ઝાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

વાત પ્રસંગોની ને સામે ચોમાસું ભરપૂર હતું,
‘કોઈ નથી’ની અટકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

નથી નીકળતા લીલા શ્વાસો એક અજાણ્યા ચહેરાના,
આંસુ જેવા મૃગજળ પરના ઘાવ હજી પણ તાજા છે

હતી ઉદાસી આંખોમાં પણ ચહેરે જુદો ભાવ હતો,
કોઈ તૂટેલી સાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

* * *

મુક્તક: વિવેક છે! March 16, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.
3 comments

મિત્ર વિવેકને એના જન્મદિવસે
આ મુક્તક સસ્નેહ અર્પણ !

*

શ્વાસોને શબ્દોમાં ભરતો વિવેક છે,
શબ્દોના શ્વાસો ઢંઢોળતો વિવેક છે,
શબ્દોમાં મારા પણ આવ્યો છે એ જરા,
જાણે સ્વયમ્ એ ઊભરતો વિવેક છે!

* * *

ઊર્મિસાગર

*

સહિયારું સર્જન પર ‘વિવેક’ વિષય પર કાવ્ય લખવા આમંત્રણ!

*

મુક્તક: કંકોતરી -અમૃત ‘ઘાયલ’ March 13, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, મુક્તકો/શેર.
4 comments

lostrip.gif

કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે,
એને પસંદ છો હું નથી, શાયરી તો છે,
વર્ષો પછી યે બેસતા વરસે એ દોસ્તો,
બીજું તો નથી એમની કંકોતરી  તો છે!

lostrip.gif

મનહર ઉધાસના કંઠે સ્વરબદ્ધ થયેલ આસીમ રાંદેરીની કંકોતરી મારી ખૂબ જ પ્રિય છે…
આજે તો સાંભળતા સાંભળતા આ મુક્તકની સાથે લખી જ દીધી!

lostrip.gif

કંકોતરી -આસીમ રાંદેરી March 13, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
8 comments

kankotri.gif 
lostrip.giflostrip.gif

મારી એ કલ્પના હતી કે વિસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે.

(more…)

એક પ્રસંગ -અજ્ઞાત March 12, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, મુક્તકો/શેર.
2 comments

holi3.jpg

વાતાવરણનો રંગ ગઝબનો ફરી ગયો,
રજ રજને જાણે કે બગીચો મળી ગયો,
બોલાયું મારું નામ ને સર્જાયો એક પ્રસંગ,
માથેથી દુપટ્ટો એકાએક સરી ગયો !

* * *

અરે, કોઇ તો… -જગદીશ જોષી March 8, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
2 comments

હું એકાગ્ર ચિત્તે વાંચું છું.

સામેની બારીનો રેડિયો
મારા કાનમાં કંઇક ગર્જે છે.
દીવાલ પરનું ઇલેક્ટ્રિક ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે. (more…)

વિખેરાઇ જાઉં છું -સતીશ ‘નકાબ’ March 6, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, મુક્તકો/શેર.
7 comments

carom.jpg

સ્ટ્રાઇકરમાં હોઉં છું, તો એકાગ્ર હોઉં છું,
કુકરીઓમાં સાવ વિખેરાઇ જાઉં છું.

* * *

આ ક્ષણને માણો! March 5, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
6 comments

sun_in_cloud.jpg

ક્ષણ ક્ષણ કરીને, જુઓ, સઘળી ચાલી ક્ષણો.
રાહ જુઓ છો જેની તમે, ન પણ આવે એ ક્ષણો,
બનાવો એ જ જીવનમંત્ર- ‘આ ક્ષણને માણો!’
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો…

આ જ ક્ષણમાં મળશે બધી ચિરાનંદની ખાણો,
ચાલી જશે એ, રોકી શકે ના, એને  કો’ મહારાણો,
સમજે જે આ સત્ય સનાતન, એ જ નર છે શાણો,
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો…

માણ્યા કરો! ના કરશો કોઇ, એના ખાલી વખાણો,
પસ્તાશે જે અવગણશે આ સમય કેરી સરાણો,
અંતરની વાણીમાંથી યે એક જ સૂર સંભરાણો, 
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો!

આ ક્ષણને માણવા હું ય નિજ અંતરમાં ગુંડાણો,
ઊર્મિના સાગરમાં આવી હું ય ક્યાંક ખોવાણો,
છો લાગે મને કો’ ક્ષણે, મુજ ઊર-સાગર તો કાણો,
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો…

* * *

હેપ્પી બર્થ ડે, સુરેશદાદા!!
‘સહિયારું સર્જન’ પર દાદાની બર્થ ડે સરપ્રાઇઝ!

* * * 

ઊર્મિસાગર

*

હાઇકુ - 2 : ફાગણ અને હોળીનાં રંગો March 3, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ.
4 comments


   ફાગણ આવ્યો,
                હોળી સળગી,               કેસૂડો જોઇ
પણ સાજન વિણ           હોમેલી એક ઇચ્છા-        યાદ આવ્યું, કે હું ય
  મને ના ભાવ્યો!               કાં ન સળગી?               કેસૂડો હતી!
               krishna_gopi_holi.gif

              લજ્જા ઊભી,                           રંગો શેં રંગે
              શેં કહું તુજને પ્રિયે?                    મને? રંગાઇ છું હું 
             ‘હા, રંગો મને!’                        તો શ્યામ રંગે!

                                                * * * 

                                  ઊર્મિસાગર

                                                   *

હાઇકુ-૧

‘સહિયારું સર્જન’ પર ફાગણ અને હોળી વિષય પર કાવ્ય લખવાનું આમંત્રણ!

લે’રખી March 2, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
6 comments

 tornado2.jpg

ઓ’લા વાયરાએ
લે’રખીને કાનમાં
એવું તે
શું કહ્યું?
કે
લે’રખી
બની ગઇ
અચાનક
વાવાઝોડું?!

* * * 

ઊર્મિસાગર

*