jump to navigation

એક લોકકથા -સૈફ પાલનપુરી February 11, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, નઝમ.
trackback

king1.gif 

એક રાજાએ એક પંડિતને એવું એક ફરમાન કર્યું
આજ સુધી ના ખીલ્યાં એવાં જ્ઞાની ફૂલ ખિલાવી ધ્યો;
સ્મિત કરીને પંડિત બોલ્યા- ‘રાજન, મારું કામ નહીં’
એ માટે તો ક્યાંકથી કોઇ પ્રેમિકા બોલાવી લ્યો.

પાનખરો જે અજવાળે એ દીપિકાને લઇ આવો,
હર્ષિત થઇને રાજા બોલ્યો, ‘પ્રેમિકાને લઇ આવો.’
સૈનિક બોલ્યા : હે રાજેશ્વર, સોંપેલું આ કામ છે શું ?
પ્રેમિકાનું નામ છે શું ? ને પ્રેમિકાનું ઠામ છે શું ?

ચોર લૂંટારુ હોય તો રાજન પકડીને હાજર કરીએ.
શત્રુ હોય જો કિલ્લા સમ તો સામે જઇને સર કરીએ;
પણ આવી શોધનું હે અન્નદાતા અમને તો કંઇ જ્ઞાન નથી.
પ્રેમિકા શું ? પ્રેમી છે શું ? કંઇ એનું અમને ભાન નથી.

પંડિત બોલ્યા : પ્રેમિકા છે પ્રેમિકાનું એક જ નામ
બારે માસ વસંતો જેવું જ્યાં હો ત્યાં છે એનું ઠામ
સૈનિક ચાલ્યા શોધ મહીં ને શોધ કરીને લઇ આવ્યા
શહેરમાં જઇ એક ડોસીમાને હરીફરીને લઇ આવ્યા.

બોલ્યા માલિક સમજ પડે ના એવું કંઇ સમજાવે છે,
આ ડોસીને પ્રેમિકાના નામે સૌ બોલાવે છે.
લગ્નપ્રસંગે સૌથી પહેલાં એનું ઘર શણગારે છે,
એની આશિષ સૌથી પહેલાં મંડપમાં સ્વીકારે છે.

રાજા શું કે શું પંડિતજી સૂણીને સૌના મન ઝૂમ્યાં
વારાફરતી જઇને સૌએ ડોસીમાના પગ ચૂમ્યા.
આંખ ઉઠાવી ડોસીમાએ રાજા ઉપર સ્થિર કરી,
બોલ્યા : બેટા, જીવી ગઇ છું આખું જીવન ધીર ધરી.

પરદેશી જો પાછો આવત- મારે પણ એક હીરો હોત,
મારે ખોળે પણ રમનારો તારા જેવો વીરો હોત.
વાત પુરાણી યાદ આવી ને આંખથી આંસુ છલકાયાં,
જ્યાં જ્યાં ટપક્યાં એ આંસુ ત્યાં ફૂલ નવાં સર્જાયાં.

* * *

Comments»

1. વિવેક - February 12, 2007

આ ગીત મનહર ઉધાસના સ્વરમાં સાંભળ્યું છે કદાચ… જયશ્રી પ્રકાશ પાડી શક્શે કે…?

2. Jayshree - February 12, 2007

હા વિવેકભાઇ,
આ ગીત મનહર ઉધાસના કંઠે સ્વરબધ્ધ થયું છે. થોડા દિવસમાં ટહુકા પર મુકીશ. :)

3. vishwadeep - February 12, 2007

સુંદર લોકકથા!!!

4. Jugalkishor - February 13, 2007

કાવ્યોના અનેકવિધ પ્રકારોની વચ્ચે આવાં લોકગીતો કે ગીતો મારફતે મૂકાતી લોકવાર્તાઓ કેવી મીઠી લાગે છે ! આવું આવું તમને સૂઝે છે એ જ બતાવી આપે છે કે આપણાં હૈયે હજીય આપણી ભૂમિનું ભાતું ખૂટ્યું નથી.

5. Kadakia Pravina Avinash - February 13, 2007

પ્રેમિકા જે પ્રેમી ની નજરમાં વસે
સૌંદર્ય પ્રેમી ની આંખમાં અને દિલ માં વસે છે.

6. Amit pisavadiya - February 18, 2007

બહુ જ સુંદર ગીત… અને મનહર ઉધાસે બહુ સરસ રીતે ગાયુ છે… અહીં વાંચીને પછી પીસી પર સાંભળીને વધુ મજા આવી…

અહીં બીજી કળીમાં એક લીટી આગળ પાછળ જણાય છે…

હર્ષિત થઇને રાજા બોલ્યો, ‘પ્રેમિકાને લઇ આવો.’
પાનખરો જે અજવાળે એ દીપિકાને લઇ આવો,…..

7. manish shah - July 16, 2008

hi

one of my favourite by saif palanpuri. It’s superb ……….prem visheni abhivyakti kayee alag andaz ma.

manish shah