તો શું ફર્ક પડ્યો? January 24, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.10 comments
22 જાન્યુ. ના રોજ એક મિત્રનાં માતૃશ્રીનાં ફ્યુનરલમાં જવાનું થયું…
એમની મરણોત્તર વિધિ થતાં જોઇને સહજ રીતે સ્ફૂરી ગયેલી રચના!
એક જિંદગીને આજે મેં ઢળતી જોઇ, તો શું ફર્ક પડ્યો?
એક પળમાં- હતી ન હતી થતી જોઇ, તો શું ફર્ક પડ્યો?
હતું કાષ્ઠ સુકુ, જર્જરિત, ને સળગ્યું, તો શું ફર્ક પડ્યો?
એક કુંપળને ડૂસકાં મેં ભરતી જોઇ, તો શું ફર્ક પડ્યો?
બાંધ્યે જ રાખ્યા આયખુંભર અનેક પિંડો સંબંધોનાં,
એક પિંડની માળને મેં ગળતી જોઇ, તો શું ફર્ક પડ્યો?
જોઇ ઝાંઝવાની ઝાકમઝોળ સૂકી રેતીનાં દરિયામાં,
એક મુઠ્ઠી રેતીને મેં સરતી જોઇ, તો શું ફર્ક પડ્યો?
ઝગમગતા અગણિત તારલાઓ આભની અટારીમાં,
એક ઉલ્કાને આજે મેં ખરતી જોઇ, તો શું ફર્ક પડ્યો?
સતત કરે છે ઊર્મિપાત મુજ અંતરે તવ યાદ, વ્હાલા!
એક ઊર્મિને આજે મેં મરતી જોઇ, તો શું ફર્ક પડ્યો?
* * *
ઊર્મિસાગર
*

