jump to navigation

ન્હોતી ખબર મને ! -’સાદિક’ મન્સુરી December 11, 2006

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

કાંટાથી પ્યાર થૈ જશે, ન્હોતી ખબર મને,
ફુલોનો ભાર થૈ જશે, ન્હોતી ખબર મને.

માન્યું હતું કે દિલને મળી જશે સાંત્વન,
ભક્તિનો ભાર થૈ જશે, ન્હોતી ખબર મને.

વેરાન દિલ મહીં જો, થયું એનું આગમન,
રણમાં બહાર થૈ જશે, ન્હોતી ખબર મને.

વિશ્વાસ મિત્રનો હતો મુજને તો પૂર્ણ, પણ
પાછળ પ્રહાર થૈ જશે, ન્હોતી ખબર મને.

લાંબા દિવસ પછી તો રચાયું’તું એ મિલન,
વ્હેલી સવાર થૈ જશે, ન્હોતી ખબર મને.

કિર્તી ને લક્ષ્મી અને વૈભવ તો સૌ મળ્યા,
જીવન અસાર થૈ જશે, ન્હોતી ખબર મને.

ગાઇ રહ્યો’તો ગીત ખુશીનાં, જે ગર્વથી,
દુ:ખની પુકાર થૈ જશે, ન્હોતી ખબર મને.

એ તો ખરું કે જીત ખરેખર છે સત્યમાં,
દુશ્મન હજાર થૈ જશે, ન્હોતી ખબર મને.

‘સાદિક’ તો ખુશ હતો કે પ્રસિધ્ધી મળી જશે,
અવળો પ્રહાર થૈ જશે, ન્હોતી ખબર મને.

                     * * *

Comments»

1. Urmi Saagar - December 11, 2006

મારા સ્કુલકાળનાં એક સંગ્રહમાં ક્યાંકથી આ ગઝલ ઉતારી હતી…
કવિ ‘સાદિક’ વિશે મને વધારે કંઇ ખબર નથી…

2. Amit pisavadiya - December 12, 2006

સુંદર ગઝલ…
સાદિક કાદરી કે મન્સુરી ?

3. Urmi Saagar - December 12, 2006

મારી વર્ષો પહેલાંની નોટબુકમાં આ ગઝલ ઉતારતી વખતે મેં આજ નામ લખેલું હતું… મને પણ કવિના નામમાં જરા ગરબડ લાગે છે પણ મેં જેમ ઉતારેલું એમ જ અહીં લખ્યું છે… કે જેથી કદાચ આ ગઝલ વિશે કોઇને વધુ માહિતી હોય તો કવિનું સાચું નામ ખબર પડે (કે મેં નામમાં લોચા તો નથી માર્યા ને?!) !!

4. Neela Kadakia - December 13, 2006

ભક્તિનો જો ભાર લાગે તો તેને ભક્તિ કહી શકાય ખરી???????????

5. bansinaad - December 29, 2006

ક્દાચ આદિલ મન્સુરી હોઇ શકે