jump to navigation

અમારે હવે બોલવું નથી… December 5, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
13 comments

sad_face_blue.GIF

અમે આજ લગી બહુ બોલ્યાં, સજન! 
અમારે હવે બોલવું નથી…

લાગણીના પડણોને ચીરી ચીરીને,
આ કાળજું અમારે હવે કોરવું નથી,
અમારે હવે બોલવું નથી…

ઊર્મિ અમારી થઇ ગઇ પાણી પાણી,
એ પાણીને પત્થર પર ઢોળવું નથી,
અમારે હવે બોલવું નથી…

પ્રીતની પળો છો ચાલી અમને છોડી,
અમારે પાછળ એની દોડવું નથી,
અમારે હવે બોલવું નથી…

પ્રેમનું આ દર્દ મારા અંતરનો વૈભવ,
એને વેદનાના ત્રાજવે તોલવું નથી,
અમારે હવે બોલવું નથી…

છોને લુંટાયો મારા ઊરનો ખજાનો,
એની યાદોના તાળાને ખોલવું નથી, 
અમારે હવે બોલવું નથી…

તણાઇ રહ્યા છો આ જગનાં વહેણમાં,
પણ ઝાલવું નથી ને કાંઇ છોડવું નથી,
અમારે હવે બોલવું નથી…

એવા ખોવાયા અમે ઊર્મિનાં સાગરે,
કે ખુદને અમારે હવે ખોળવું નથી,
અમારે હવે બોલવું નથી…

* * *

ઊર્મિસાગર

*

આપણે હવે મળવું નથી ગઝલ સાંભળી સાંભળીને આ ગીત જેવું કંઇક મનમાં સ્ફૂરી ગયું હતું…

*