jump to navigation

કાળી પછેડી છે -બેફામ November 26, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

પ્રણયનાં ફૂલ ક્યાંથી ચૂંટીએ જ્યાં કરમાં બેડી છે,
હવે તો પગમાં સાંકળ છે અને કાંટાની કેડી છે.

ઓ ખોતરનાર, તારી યાદ તાજી રાખવા માટે,
જખમ પરથી મરેલી ચામડી મેં પણ ઉખેડી છે.

તમે ક્યાં ચાંદ જેવાં છો કે હું જોઇ શકું તમને?
તમારી તો ગગન કરતાં વધારે ઊંચી મેડી છે.

સિતારા આભે આપોઆપ કંઇ ઊગી નથી નીકળ્યાં,
અમે રાતોના જાગી જાગીને એ ધરતી ખેડી છે.

હવે ખુદ એ જ તરસાવી રહી છે ઝાંઝવા થઇને,
જીવનની જે સરિતા મેં જગતના રણમાં રેડી છે.

સમયનો હાથ પહોંચે છે બધે ખંડેર જોઇ લ્યો,
હતા જો બંધ દરવાજા તો દીવાલો ખસેડી છે.

પડી ગઇ છે પ્રણયમાં ગાંઠ, એને એમ જોઉં છું,
અમારા બે હ્રદય વચ્ચેની જાણે છેડાછેડી છે.

અહીં બેફામ હું માથે કફન બાંધીને નીકળ્યો છું,
અને ત્યાં એમના માથા ઉપર કાળી પછેડી છે.

                            * * *

બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી

                               *

Comments»

1. Urmi Saagar - November 27, 2006

કોઇ મક્તાના શેરનો આસ્વાદ કરાવશો?
‘કાળી પછેડી’ શાના સંદર્ભમાં છે એ સમજાયું નહિં…

2. સુરેશ જાની - November 27, 2006

હું આ રીતે સમજ્યો -
કાળી પછેડી ઓઢી તેઓ પોતાનું દર્શન છુપાવીને બેઠા છે. મેં કફન બાંધીને તેમને જોવા હામ ભીડી છે તો પણ …..