કોઇ દોસ્ત મળે -બેફામ August 7, 2006
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.trackback
હું એકલો જ ફરૂં છું કે કોઇ દોસ્ત મળે,
હવે જગતથી ડરૂં છું કે કોઇ દોસ્ત મળે.
આ જનસમૂહની વચ્ચે કદી વિજન વાટે,
બધે જ શોધ કરૂં છું કે કોઇ દોસ્ત મળે.
મળે તો મારો કિનારો ગણી લઇશ એને,
તૂફાનમાં હું તરૂં છું કે કોઇ દોસ્ત મળે.
જીવનની રાતમાં પડતી દશા જુએ મારી,
સિતારા જેમ ખરૂં છું કે કોઇ દોસ્ત મળે.
બધાંની બંધ છે આંખો, બધાંય ઊંઘે છે,
હું સ્વપ્ન લઇને ફરૂં છું કે કોઇ દોસ્ત મળે.
કહે છે જેને બધા કેડી કલ્પનાઓની,
કદમ હું ત્યાંય ધરૂં છું કે કોઇ દોસ્ત મળે.
કોઇ તો હાથ ધરે, કોઇ તો ધરે પાલવ,
હું અશ્રુ જેમ સરૂં છું કે કોઇ દોસ્ત મળે.
ચૂંટે નહીં તો ભલે માર્ગથી ઉપાડી લે,
હું ફૂલ જેમ ખરૂં છું કે કોઇ દોસ્ત મળે.
આ અંતકાળ ન બગડે ખુદા કરે બેફામ,
ઝૂરી ઝૂરીને મરૂં છું કે કોઇ દોસ્ત મળે.
***

hi urmi,
nilam here.
દોસ્તી નો આ હાથ લંબાવેલ તો છે
બસ,તારા આવવાની જ હવે વાર છે.
ઉર્મિ ની પસંદ ને તો દાદ દેવી જ રહી.
વિજન = વેરાન, ઉજ્જ્ડ, અવર-જવર વિનાંનું
http://www.gujaratilexicon.com નાં સૌજન્યથી.
આભાર,
ચૂંટે નહીં તો ભલે માર્ગથી ઉપાડી લે :
હું ફૂલ જેમ ખરું છું ….કે કોઇ દોસ્ત મળે !
આશા અમર છે !…………..આભાર !
આપ સાગર,અમે ઝરણું નાનુ,
આપ ઘૂઘવતા રહો ને અમે
વહેતા રહીએ ધીમે ધીમે.
નીલમ દોશી