જ્યારથી હસવા લાગ્યો છું - સૈફ પાલનપુરી July 26, 2006
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.trackback
કોઇનાં ભીનાં પગલાં થાશે એવો એક વર્તારો છે,
સ્મિત ને આંસુ બન્નેમાંથી જોઇએ કોનો વારો છે?
મારા લગતી કોઇએ બાબત એમાં તો મેં જોઇ નહીં,
જીવું છું પણ લાગે છે કે બીજાનો જન્મારો છે.
એજ વખત બસ હોય છે એનું પૂરતું ધ્યાન અમારા પર,
એટલે અમને એના કરતાં એનો ગુસ્સો પ્યારો છે.
મારી સામે કેમ જુએ છે મિત્રો શંકાશીલ બની,
જ્યારથી હસવા લાગ્યો છું બસ ત્યારથી આ મુંઝારો છે.
કોઇ તો એવી રાત હો જ્યારે મરજી મુજબ જાગી લઉં,
કોઇ તો એવો દિવસ હો કે લાગે દિવસ સારો છે.
“સૈફ” જીવનનો સાથ તો છે બસ પ્રસંગ પૂરતો શિષ્ટાચાર,
વાત અલગ છે મૃત્યુની હંમેશનો એ સથવારો છે.
* * *

એકદમ સરળ અને પ્રવાહી ભાષા પણ વાત ખાસ્સી વજનદાર… બ્લૉગ પર સારી વસ્તુ લઈને આવવાની તંદુરસ્ત હરિફાઈનો આ પ્રતાપ છે કે વીણી-વીણીને ભેગી કરાતી રચનાઓ હવે સહજતાથી મળી આવે છે.
બીજી પંક્તિમાં ‘કોઈએ’ની જગ્યાએ ‘કોઈયે’ શબ્દ ન હોવો જોઈએ?
સ્મિત ને આંસુમાંથી જોઇયે કોનો વારો છે ?
થોડામાં ઘણું કહ્યું ! શૂન્યમાં હાસ્યનો મુંઝારો ?
રસપૂર્વક વાચન કર્યું ……..આભાર !
સાચી વાત છે સરળ છતા ખાસ્સી વજનદાર ..
“સૈફ” જીવનનો સાથ તો છે બસ પ્રસંગ પૂરતો શિષ્ટાચાર,
વાત અલગ છે મૃત્યુની હંમેશનો એ સથવારો છે.
સરસ ,
સૈફ સાહેબ ની વધુ એક ઉત્તમ રચના નો આસ્વાદ કરાવવા બદલ આભાર…