સંબંધ વિનાનો ગાઢ સંબંધ July 11, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.trackback
આમ જુઓ તો આપણી વચ્ચે છે જ કોઇ સંબંધ નહિં,
ને આમ જુઓ તો એના જેવો બીજોયે કોઇ ગાઢ નહિં.
આમ જુઓ તો આપણે બાંધી છે જ કોઇ ગાંઠ નહિં,
ને આમ જુઓ તો બંધાય એવી કે છોડીયે છોડાય નહિં.
આમ જુઓ તો આપણે લીધું કે દીધું જ કોઇ વચન નહિં,
ને આમ જુઓ તો પાળ્યું હશે ના કોઇએ એવું વચન નહિં.
આમ જુઓ તો આપણા જગનો થયો જ કોઇ વિસ્તાર નહિં,
ને આમ જુઓ તો એના કોઇ અંતનોય અણસાર નહિં.
આમ જુઓ તો આપણા મિલનની છે જ કોઇ જગા નહિં,
ને આમ જુઓ તો આપણી ક્ષિતિજનોયે કોઇ પાર નહિં.
આમ જુઓ તો આપણા પ્રણયની છે જ કોઇ મંઝીલ નહિં,
ને આમ જુઓ તો જીવનનાં રસ્તાઓયે કંઇ દૂર નહિં.
આમ જુઓ તો તારા વિનાયે ક્યાં કંઇ જિવાય નહિં?
ને આમ જુઓ તો એને જીવ્યું જરાયે કહેવાય નહિં.
“ઊર્મિ સાગર”

“આમ જુઓ તો
તારી ને મારી વચ્ચે કાંઇ નહીં
ને આમ જુઓ તો –
– દરિયો અપરંપાર
આમ જુઓ તો કાંઇ નહીં
ને આમ જુઓ તો –
ભવ આખાનો ભાર.”
શ્રી સુરેશ દલાલની આ નાનકડી રચના મારી ખૂબ જ પ્રિય છે. મારી આ રચના “સંબંધ વિનાનો ગાઢ સંબંધ” માં મેં એમનો જ રદીફ લીધેલ છે. જો કે એમની આ નાનક્ડી રચના (જે મેં આગળ પોસ્ટ પણ કરી છે) થોડા જ શબ્દોમાં કેટલું બધુ કહી જાય છે!
ઊર્મિ સાગર
આના ભાવ સરસ છે.માનેલી મૂર્તિ કેમ કરીને
ત્યજાય ? જીવવું દુર્લભ જ બને !
Great one, again! Keep it up!
બહુ જ સરસ… અતિ સુંદર …
ભાગ્યેશ જહાની એક રચના યાદ આવી ગઇ … ‘આપણા સંબંધો આપણી વચ્ચે નામ વિનાના, ગામના રસ્તા ગામની વચ્ચે ગામ વિનાના…’ કદાચ આ શબ્દોમાં કોઇ ભૂલ હોઇ શકે, પણ આ રચના પણ અતિ સુંદર છે..
છતાં, તમે ‘છે નહીં’ કરતાં કોઇ વધુ અસરકારક શબ્દપ્રયોગ કર્યો હોત તો વધુ સારું લાગત.
ઊર્મિ, એકંદરે આ તમારી બહુ સરસ રચના છે… keep it up
આમ જુઓ તો તારા વિનાયે ક્યાં કંઇ જિવાય નહિં?
ને આમ જુઓ તો એને જીવ્યું જરાયે કહેવાય નહિં
ખરેખર ખૂબ જ સુંદર ભાવ…
Dear j.t.,
‘છે જ નહીં’ શબ્દોનો પ્રયોગ હેતુપૂર્વક એટલા માટે થયો છે કે એના લીધે એના પછી આવતા શબ્દો પર ભાર વધી જાય છે જે જરૂરી છે. અને સંબંધ વિનાનો આ ગાઢ સંબંધ પણ તો ‘છે’ અને ‘નહિં’ ની વચ્ચે જ જુલતો રહે છે ને!! અને તેથી જ આ બંને શબ્દોનો પ્રયોગ પણ એકસાથે જ થયો છે. તેમ છતાં તમારા અને Deeના મનમાં ઉઠતો સવાલ બતાવે છે કે કદાચ એનો હેતુ સફળ થયો નથી!! તમારા બંનેની વાત પર જરૂર વિચાર કરીશ.
તમારા પ્રમાણિક મંતવ્ય બદલ ખૂબ ખૂબ આભાર.
“ઊર્મિ સાગર”
શ્રી દલાલ સાહેબ ની રચના પ્રભાવિત , છતાં પણ બહુ જ સરસ ભાવો દર્શાવ્યા છે. સરસ કૃતિ છે, ઊર્મિ જી..
Hi Urmi,
Without reading a poem stuff just attract with Title
સંબંધ વિનાનો ગાઢ સંબંધ..What a nice combination of words !!
માનવ મહેરામણની આ ભીડમાં કયાંક અજાણ્યે બંધાઇ જતાં વિના નામના સબંધ એ ઋણાનુબંઘ એ જ સંબંધ વિનાનો ગાઢ સંબંધ
“આમ જુઓ તો આપણા જગનો થયો જ કોઇ વિસ્તાર નહિં,
ને આમ જુઓ તો એના કોઇ અંતનોય અણસાર નહિં”
….Superb lines…..
Thanks Urmi !!
આમ તો અમારે શું ને કેટલું જોવું ?
પણ..તમે કહ્યું તેથી.. અમે જોયું હોં !
તમારા ભાવો ગમ્યા! આભાર !
આમ જુઓ તો તારા વિનાયે ક્યાં કંઇ જિવાય નહિં?
ને આમ જુઓ તો એને જીવ્યું જરાયે કહેવાય નહિં.
વાહ! આ વાંચીને આંધી ફિલ્મના “તેરે બિના જીંદગી સે કોઇ …” ગીતની યાદ આવી ગઇ
હેમંત
Simply superb!