jump to navigation

લો રામ રામ -’શૂન્ય’ પાલનપુરી June 22, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

વિરહમાં ક્યારેક ઘેલા મનને બહેલાવું છું આમ
દ્વાર ખખડાવું છું મારાં લઇને હું મારું જ નામ.

આભ-ધરતી બેઉ ચોળે છે લલાટે ગર્વથી
પ્રેમીઓની ભસ્મનો પણ છે બહુ ઉંચો મુકામ.

મોત ને મોતીમાં ઝાઝું ખાસ કૈં અંતર નથી
મરજીવા, તારી લગનને રૂપની લાખો સલામ.

પ્યાસ કેવી છે સમંદરની નથી એને ખબર
સાવ પાણીમાં જવાની છે નદીની દોડધામ.

પ્રેમમાં એ રામ પેદા કર કે તારી જિંદગી
મોત પહેલાં કહી શકે ખુદ મોતને લો રામરામ.

કેટલા ભોળા છે આ દુનિયાના લોકો શું કહું?
શૂન્ય છું જાણ્યા છતાં પૂછે છે મારું નામઠામ.

– ‘શૂન્ય’ પાલનપુરી

Comments»

1. સુરેશ જાની - June 22, 2006

શુન્ય મારા પ્રિય કવિઓમાં ટોચના સ્થાને છે. બધી જ કડીઓ સરસ છે. છેલ્લી પંક્તિમાં જણ્યા ના સ્થાને જાણ્યા કદાચ હોવું જોઇએ તેમ મને લાગે છે.

2. ઉર્મિ સાગર - June 23, 2006

Sureshuncle, you are right.
it was my typo.. i have fixed it now.

Thanks.

3. વિવેક - June 23, 2006

શૂન્યની સુંદર રચના… પ્રથમવાર જ વાંચી. આખી ગઝલમાં આંખે ઊડીને વળગે એવી જે વાત છે એ છે શબ્દોની રમત. મોત-મોતી, નદી-સમંદર-પાણી જેમાં પાણીના બે અર્થો અનાયાસ ઉપસી આવે છે. રામ અને રામ-રામ…
આભાર, ઉર્મિ!