jump to navigation

લો રામ રામ -’શૂન્ય’ પાલનપુરી June 22, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
3 comments

વિરહમાં ક્યારેક ઘેલા મનને બહેલાવું છું આમ
દ્વાર ખખડાવું છું મારાં લઇને હું મારું જ નામ.

આભ-ધરતી બેઉ ચોળે છે લલાટે ગર્વથી
પ્રેમીઓની ભસ્મનો પણ છે બહુ ઉંચો મુકામ.

મોત ને મોતીમાં ઝાઝું ખાસ કૈં અંતર નથી
મરજીવા, તારી લગનને રૂપની લાખો સલામ.

પ્યાસ કેવી છે સમંદરની નથી એને ખબર
સાવ પાણીમાં જવાની છે નદીની દોડધામ.

પ્રેમમાં એ રામ પેદા કર કે તારી જિંદગી
મોત પહેલાં કહી શકે ખુદ મોતને લો રામરામ.

કેટલા ભોળા છે આ દુનિયાના લોકો શું કહું?
શૂન્ય છું જાણ્યા છતાં પૂછે છે મારું નામઠામ.

– ‘શૂન્ય’ પાલનપુરી

શબ્દો ભિંસાયા કરે June 22, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
8 comments


મુખમાં મૌનનાં શબ્દો ભિંસાયા કરે
હ્રદયમાં વેદનાની વાણી પિસાયા કરે

પસાર થતી હર ક્ષણ ભુંસાયા કરે
અતીત ની કોઇ પળ ડોકાયા કરે

રણમાં ઝાંઝવાનાં જળ ઉભરાયા કરે
ગઇકાલમાં મારી આજ સરકાયા કરે

શમણાંઓનું આખું નગર સર્જાયા કરે
ખુલી જાય આંખો તો વિખરાયા કરે

શબ્દો મને દૂરથી લલચાવ્યા કરે
ભેગા કરવા જાઉં તો ઉલજાવ્યા કરે


  – ઉર્મિ સાગર

વાંસળી -અજ્ઞાત June 22, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, મુક્તકો/શેર.
add a comment

દિલ વિંધાયું, ને ગીતો ગુંજ્યા, તો સમજાઇ ગયું,
કે લાકડાનાં છિદ્રમાંથી વાંસળી વાગી શી રીતે?

* ખબર નહી કેમ, હું નાની હતી ત્યારથી આ કડી મારે મોંઢે ચડી ગયેલી જે આજે પણ એટલી જ તાજી છે. ખબર નથી કે એ કોઇ કવિતાની કડી છે કે બસ આ કડી જ એક કવિતા છે. કોઇને એ વિશે માહિતી હોય તો જરૂર જણાવશો.